લંડનઃ ફેશન ઇતિહાસમાં યાદગાર બની ગયેલો પ્રિન્સેસ ડાયનાનો આઇકોનિક રિવેન્જ ડ્રેસ હરાજી માટે તૈયાર છે. પોપ કલ્ચરમાં બ્રેકઅપ બાદ આત્મવિશ્વાસનું પ્રતીક બનેલો આ બ્લેક ડ્રેસ ડિઝાઇનર ક્રિસ્ટિના સ્ટેમ્બોલિયન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે કમિલા પાર્કર બોવલ્સ સાથેના પોતાના અફેરની વાત 29 જૂન 1994ના રોજ જાહેર કરી તે જ દિવસે ડાયનાએ આ ડ્રેસ પહેર્યો હતો. તે જ સાંજે લંડનના કેન્સિંગટન ગાર્ડન્સ ખાતે આવેલી સરપેન્ટાઇન ગેલેરીમાં ચેરિટી ડિનરમાં ડાયના આ ઓફ-શોલ્ડર અને ફિગર હગિંગ બ્લેક ડ્રેસમાં પહોંચ્યા હતા. રાજવી પરિવારના રૂઢિચુસ્ત ફેશન નિયમોથી અલગ આ બોલ્ડ આઉટફિટ આજે પણ વૈશ્વિક સ્તરે અતિ લોકપ્રિય છે. આ ઐતિહાસિક સિલ્ક ડ્રેસની અંદાજિત હરાજી કિંમત 150,000 થી 300,000 ડોલર રાખવામાં આવી છે. આ ઓક્શનમાં ડ્રેસની સાથે ડાયના અને ડિઝાઇનરની સહી ધરાવતી પુસ્તક તેમજ ચેરિટી ઇવેન્ટની તસવીરો પણ સામેલ હશે.


