લંડનઃ ઓફજેમ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અંતર્ગત કંપનીઓ દ્વારા મકાનોમાં બળજબરીથી લગાવાતા પ્રિપેઇડ મીટરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે 75 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ ધરાવતા,ગંભીર બિમારી અને ચોક્કસ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિ અને બે વર્ષથી નાના બાળક ધરાવતા પરિવારોના મકાનમાં હવે કંપનીઓ બળજબરીથી પ્રિપેઇડ મીટરો લગાવી શક્શે નહીં. આ નવો નિયમ 8મી નવેમ્બરથી અમલમાં આવી રહ્યો છે. જો એનર્જી કંપનીઓ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરાશે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે.
ઓફજેમના સ્ટ્રેટેજી ડિરેક્ટર નીલ કેનવોર્ડે જણાવ્યું હતું કે, કંપનીઓ દ્વારા કરાતી બળજબરી સામે પરિવારોને રક્ષણ આપવા નવા નિયમો તૈયાર કરાયાં છે. પ્રિપેઇડ મીટર લગાવતા પહેલાં કંપનીએ ગ્રાહકનો સંપર્ક કરવા ઓછામાં ઓછા 10 વાર પ્રયાસ કરવો પડશે. આ પ્રકારના મીટર લગાવતાં પહેલાં કંપનીએ સાઇટ વેલ્ફેર વિઝિટ પણ ફરજિયાત કરવી પડશે.


