લંડનઃ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે બ્રિટનને યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બહાર રાખવાના અભિયાનની બાગડોર સંભાળી હોવાનું કહેવાય છે. તેઓ આ મુદ્દે ઈયુમાં રહેવાના પ્રખર હિમાયતી વડા પ્રધાન કેમરન સામે મોરચો માંડવાના છે અને ટુંક સમયમાં તેમને મળવાના પણ છે. આના પગલે તેઓ ‘આઊટ’ કેમ્પેઈનના પોસ્ટર ગર્લ બનવાની અપેક્ષા છે. ઉભરતાં કેબિનેટ મિનિસ્ટર પ્રીતિ પટેલ ૧૯૭૦ના દાયકામાં યુગાન્ડા છોડી યુકે આવનારા ભારતીય ગુજરાતી પરિવારનું સંતાન છે. તેમણે હત્યારાઓ અને બળાત્કારીઓ માટે દેહાંતદંડની ખુલ્લી તરફેણ કરી બધાને ચોંકાવી દીધા હતા.
ગ્રામર સ્કૂલ અને યુનિવર્સિટીમાં અભ્યાસ પછી પ્રીતિ પટેલ રાજકારણમાં જોડાયાં હતાં. જેમ્સ ગોલ્ડસ્મિથની રેફરેન્ડમ પાર્ટી માટે કામ કર્યું હતું અને ૧૯૯૭ની ચૂંટણીમાં Ukipના નેતા તરીકે ઉપસી આવ્યાં હતાં. તેઓ ૨૦૧૦માં એસેક્સમાં વિથામના ટોરી સાંસદ બન્યાં હતાં. પ્રીતિ પટેલના ઉત્સાહ અને ઊર્જાને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને પારખ્યા હતા અને તેમને કેબિનેટમાં બઢતી અપાવવાનું નિમિત્ત બન્યા હતા.
તેમણે ‘હેવ આઈ ગોટ ન્યૂઝ ફોર યુ’ના પેનલિસ્ટ ઈઆન હિસ્લોપને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે,‘હું પ્રતિરોધક સજા તરીકે કેપિટલ પનિશમેન્ટને સપોર્ટ કરું છું. ઘણા રાજકારણીઓ આવા મુદ્દાઓ પર ચર્ચાને ટાળતા હોય છે.’ તેમણે ગે મેરેજનો ખુલ્લો વિરોધ પણ કર્યો છે, જે તેમની રુઢિચુસ્ત પારિવારિક પશ્ચાદભૂનું પ્રતિબિંબ છે.
પ્રીતિ પટેલ વેલ્ફેર, હળવા કરવેરા અને ઈમિગ્રેશન બાબતોએ થેચરવાદી મતના છે. તેઓ કહે છે કે પરિવાર, આસ્થા, સખત પરિશ્રમ, સામુદાયિક સેવા, આત્મનિર્ભરતા અને બિઝનેસ કેન્દ્રિત ટોરી મૂલ્યો પરંપરાગત એશિયન પરિવારોનું પ્રતિબિંબ છે. તેઓ કહે છે કે,‘મારાં પેરન્ટ્સ મક્કમ નિર્ણયાત્મકતા અને તલસ્પર્શી કાર્યસિદ્ધાંતો દ્રારા જ સતત પ્રયાસો થકી સમૃદ્દિને વર્યા છે. તમારા પર અત્યાચાર ગુજારાયો હોય તે દેશમાંથી આવવાનો અર્થ એ છે કે તમે સખત પરિશ્રમ કરવા તૈયાર જ છો. તમે નવા દેશને તમારું ઘર બનાવો છો અને તેના મૂલ્યોને અપનાવો છો તેથી તમે દેશભક્ત બનો છો.’ પતિ એલેક્સ સોયર અને પ્રીતિ પટેલને સાત વર્ષનો પુત્ર ફ્રેડી છે. તેઓ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ઈઆન ડન્કનના ડેપ્યુટી પણ છે.


