પ્રીતિ પટેલ માઈગ્રન્ટ્સ કટોકટીમાં રોયલ નેવીને કામગીરી સોંપવા મક્કમ

Tuesday 11th August 2020 11:23 EDT
 
 

લંડનઃ ઈંગ્લિશ ચેનલ પાર કરી કેન્ટના ડન્જેનેસ બીચ પરથી બ્રિટનમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૧૦ નાના બાળકો અને આઠ મહિના સગર્ભા સહિત ૨૫૦ માઈગ્રન્ટ્સને ગુરુવાર ૬ ઓગસ્ટે ઝડપી લેવાયા હતા. આ સાથે સમગ્ર ૨૦૧૯ના કુલ ગેરકાયદે માઈગ્રન્ટ ઘૂસણખોરો કરતાં પણ સંખ્યા વધી ગઈ છે. વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૨૧૯ દિવસમાં જ લગભગ ૪૦૦૦ માઈગ્રન્ટ્સ બોટ્સ દ્વારા ચેનલ પસાર કરી બ્રિટન આવ્યા છે. આ કટોકટીનો સામનો કરવા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રોયલ નેવી પેટ્રોલ્સને ઈંગ્લેશ ચેનલ્સમાં ગોઠવવાની યોજનાને ટેકો આપ્યો છે. અધિકારીઓને તેની યોજના ઘડવા આદેશો અપાઈ ગયા છે.

બ્રિટનમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા ઈંગ્લિશ ચેનલનો ઉપયોગ કરવાની સંક્યા ઉત્તરોત્તર વધી રહી છે. ગત ગુરુવારે ૨૦૨ ઘૂસણખોરોને પકડી લેવાયા હતા તેની સામે ૬ ઓગસ્ટે ૨૫૦ જેટલા લોકોને પકડી લેવાયા છે જે વિક્રમ છે. આ સૌથી વધુ દેનિક સંખ્યા છે. નવાઈની વાત એ છે કે ૨૦૨૦ના પ્રથમ ૨૧૯ દિવસમાં લગભગ ૩,૯૫૦ લોકોએ નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી અને સમગ્ર ૨૦૧૯ના વર્ષમાં૧૮૫૦ લોકોએ આ રીતે ઘૂસણખોરી કરી હતી.

આ ઘટના હોમ સેક્રેટરી માટે અંગત આંચકા સમાન છે જેમણે, ગત ઓક્ટોબરમાં જ આવી હેરાફેરી બંધ કરી દેવાશેની ખાતરી આપી હતી. હવે તેઓ નવી પહેલ કરી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે રોયલ નેવીના વહાણો માઈગ્રન્ટ બોટ્સને ફ્રાન્સ તરફ પાછી ખદેડશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સાંસદોને જણાવ્યું હતું કે આ પગલું આંતરરાષ્ટ્રીય મેરિટાઈમ કાયદા હેઠળ કાયદેસર હોવાં વિશે તેમણે કાનૂની સલાહ મેળવી છે. જોકે, આ રણનીતિ વિવાદાસ્પદ બની શકે છે અને આવા પગલાંને ગેરકાયદે ગણાવતી ફ્રેન્ચ સરકાર સાથે વિવાદ સર્જી શકે છે.

અન્ય તાકીદના પગલાંમાં નેવી વેસલ્સ માઈગ્રન્ટ બોટ્સનો માર્ગ અવરોધે તેનો પણ સમાવેશ થાય છે. એમ મનાય છે કે ફ્રિગેટ્સ અથવા ડિસ્ટ્રોયર્સ જેવા મોટા જહાજોના બદલે નાના લશ્કરી વહાણોનો ઉપયોગ કરી શકાય અને રોયલ મરિન્સ ચાવીરુપ ભૂમિકા ભજવી શકે છે. માઈગ્રન્ટ્સ બોટ્સને અટકાવવા તેમના પ્રોપેલર્સને ગૂંચવવા બ્રિટિશ દળો નેટ્સ (જાળ)નો અથવા તરતા બૂમ્સનો ઉપયોગ કરી શકે છે. નેવી શિપ્સ અને બોર્ડર ફોર્સ બોટ્સને સાંકળતી સિક્રેટ ટ્રાયલ્સ પણ મે અને જૂનમાં કરી લેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter