લંડનઃ થેરેસા મેના રાજીનામાના પગલે બ્રિટનમાં સત્તાના સૂત્રો સંભાળનાર જ્હોન્સન સરકારનું ઊડીને આંખે વળગતું સૌથી આકર્ષક પાસું હોય તો તે છે તેનું ‘ઇન્ડિયા કનેક્શન’. નવરચિત સરકારમાં ભારતીય વંશજોનું વજનદાર વર્ચસ જોવા મળી રહ્યું છે. પ્રધાનમંડળમાં અતિ મહત્ત્વનું ગણાતું ગૃહ મંત્રાલય ગુજરાતી મૂળના પ્રીતિ પટેલને સોંપાયું છે. ‘ચરોતરના પુત્રી’ પ્રીતિબહેનનો પરિવાર આણંદ જિલ્લાના તારાપુરનો વતની છે. તો ભારતવંશી એમપી આલોક શર્માને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે અને રિશિ સુનાકને ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વાત અહીં જ પૂરી નથી થતી. સરકારનું સુકાન સંભાળતા બોરીસ જ્હોન્સન ખુદ ભારત સાથે નાતો ધરાવે છે અને આથી જ તેમણે એક વખત પોતાને ‘ભારતના જમાઇ’ ગણાવ્યા હતા.
ચરોતર પ્રદેશના અનેક વીરલાઓએ દેશ-દુનિયામાં ડંકો વગાડીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આમાં હવે નામ ઉમેરાયું છે પ્રીતિ પટેલનું. આણંદ જિલ્લાના તારાપુરના વતની પ્રીતિબહેન સુશીલભાઈ પટેલની બ્રિટનના ગૃહ પ્રધાન તરીકે નિમણૂંક થતાં ગુજરાતી સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.
આણંદ જિલ્લાના તારાપુરના ઊંડી ખડકી વિસ્તારના વતની સુશીલભાઈ બાબુભાઈ પટેલ પરિવાર સાથે ૪૦ વર્ષ પહેલાં યુગાન્ડામાં સ્થાયી થયા હતા. બાદમાં ત્યાંથી સ્થળાંતર કરીને બ્રિટનમાં વસ્યા હતા. જોકે, પ્રીતિબહેન સુશીલભાઈ પટેલના દાદા-દાદી વર્ષો સુધી આણંદની કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં વસવાટ કરતા હતા. પ્રીતિ પટેલે બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કર્યા બાદ પરિવારમાં એક દીકરો છે.
આજથી નવ વર્ષ પહેલાં, ૨૦૧૦માં પ્રીતિબહેન પહેલી વાર એસેક્સના વિથામથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ડેવિડ કેમરનના નેતૃત્વ હેઠળની સરકારમાં તેમને ભારતીય સમુદાય સાથે જોડાયેલી જવાબદારી સોંપાઇ હતી. આ પછી ૨૦૧૪માં ટ્રેઝરી મિનિસ્ટર અને ૨૦૧૫માં એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર તરીકે કાર્યભાર આપવામાં આવ્યો હતો. તેમની કાર્યકુશળતા અને તંત્રમાં પ્રશંસનીય પ્રદાનને ધ્યાનમાં લઇને ૨૦૧૬માં પ્રીતિબહેનને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં ફોરેન મિનિસ્ટર બનાવ્યાં હતાં. ૨૦૧૭માં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સ્પષ્ટ વિચારસરણી માટે જાણીતાં પ્રીતિ પટેલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટના સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન ગયા ત્યારે તેમના કાર્યક્રમનું સંચાલન પ્રીતિ પટેલ દ્વારા જ કરવામાં આવ્યું હતું.
બોરિસનું ‘ઇંડિયા કનેક્શન’ઃ પટૌડી ખાનદાન સાથે નાતો!
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજ્યા હોવાના સમાચાર વાઇરલ થતાં જ તેમની સાથે સંકળાયેલા કેટલાય દિલચસ્પ તથ્યો બહાર આવવા લાગ્યાં છે. પોતાના દેખાવના કારણે ‘બ્રિટનના ડોનાલ્ડ ટ્રમ્પ’ની ઓળખ ધરાવતા બોરિસ જોન્સન ભારત સાથે જૂનો નાતો ધરાવે છે. તેમણે શીખ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાત તો સહુ કોઇ જાણે છે, પરંતુ જો કોઇ કહે કે તેઓ પટૌડી પરિવાર સાથે પણ નાતો ધરાવે છે અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના ‘ગ્રાન્ડ અંકલ’ થાય છે તો તમે શું કહેશો?
સંબંધોને જોડતી કડી ખુશવંત સિંહ
બોરિસ જ્હોન્સન અને પટૌડી વચ્ચેના સંબંધનું કારણ વિખ્યાત લેખક ખુશવંત સિંહ છે. ખુશવંત સિંહના નાના ભાઈ દલજત સિંહના લગ્ન એક શીખ મહિલા દીપ સાથે થયાં હતા. આ લગ્નથી દીપને બે દીકરીઓ જન્મી. બાદમાં દીપે બીબીસી પત્રકાર ચાર્લ્સ વ્હીલર સાથે લગ્ન કર્યાં અને તેમને ત્યાં દીકરી મરીના વ્હીલરનો જન્મ થયો. બોરિસ જ્હોન્સને બીજા લગ્ન આ મરીના વ્હીલર સાથે કર્યા હતા.
બોરિસ અને મરિનાએ ૧૯૯૩માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ૨૫ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૮માં બોરિસ અને મરિનાએ છુટાછેડા લીધા. આ સંબંધે જોવામાં આવે તો દલજિત સિંહ અને ખુશવંત સિંહ એક સમયે બોરિસ જ્હોન્સનના સસરા થતા હતા.
ખુશવંત સિંહ સાથેના આ સંબંધને પગલે જ બોરિસ જ્હોન્સનનો સંબંધ બોલિવૂડ સાથે પણ જોડાય છે. વાસ્તવમાં સૈફ અલી ખાનની પહેલી પત્ની અને અભિનેત્રી અમૃતા સિંહ ખુશવંત સિંહ પરિવારની સભ્ય છે. તે ખુશવંત સિંહની ભાણેજ થાય છે. અભિનેત્રી સારા અલી ખાનની માતા અમૃતા સિંહ આર્મી ઓફિસર શિવિંદર સિંહ વિર્ક અને પોલિટિકલ એક્ટિવિસ્ટ રૂખસાના સુલ્તાનાની દીકરી છે. અમૃતા સિંહના દાદી મોહિંદર કૌર લેખક ખુશવંત સિંહના બહેન હતા. આમ સંબંધોની કડી જોડવામાં આવે તો બોરિસ જ્હોન્સન, સારા અલી ખાનના ‘ગ્રાંડ અંકલ’ થયા.
જ્હોન્સન ‘ભારતના જમાઇ’
મરિના સાથેના ૨૫ વર્ષ લાંબા લગ્નજીવન દરમિયાન બોરિસ જ્હોન્સન કેટલીય વખત પત્ની સાથે ભારતના પ્રવાસે જઇ ચૂક્યા છે. જ્હોન્સને ખુદે એક વખત પોતાને ‘ભારતના જમાઈ’ ગણાવ્યા હતા.
‘ધ ટ્રિબ્યૂન’માં ખુશવંત સિંહના દીકરા રાહુલ સિંહે તાજેતરમાં જ એક કોલમમાં કહ્યું હતુંઃ જો બોરિસ બ્રિટનના આગામી વડા પ્રધાન બને છે, તો મરિનાની સાથેના ૨૫ વર્ષના લગ્ન, ભલે તે ગમેએટલા વિવાદિત કેમ ન હોય, તેમના અનેક ભારત પ્રવાસને પગલે ભારત-બ્રિટિશ સંબંધોમાં એક નવો યુગ જોવા મળી શકે છે.