પ્રીતિ પટેલનું પ્રધાનપદેથી રાજીનામુંઃ ઈઝરાયેલ મુલાકાતનો વિવાદ

Thursday 09th November 2017 06:03 EST
 
 

લંડનઃ યુકે કેબિનેટમાં ભારતીય મૂળના પ્રથમ મિનિસ્ટર અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે આખરે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સહિત રાજકીય નેતાઓ સાથે ગુપ્ત બેઠકોના મુદ્દે કેબિનેટમાંથી બુધવારે મોડી રાત્રે રાજીનામું આપી દીધું છે. રાજીનામાપત્રમાં પ્રીતિ પટેલે એવો સંકેત આપ્યો હતો કે તેઓ બેકબેન્ચર તરીકે બ્રેક્ઝિટ મુદ્દે વડા પ્રધાન માટે મુશ્કેલી સર્જી શકે છે. તેમણે લખ્યું હતું કે, ‘બ્રિટન મુક્ત, સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉજળું ભવિષ્ય ધરાવે છે ત્યારે હું આપણા દેશ, આપણા રાષ્ટ્રીય હિતો અને બ્રિટનના ભાવિ વિશે અવાજ ઉઠાવીશ.’ થેરેસા સરકાર DUPના ટેકા સાથે પાતળી બહુમતી ધરાવે છે ત્યારે તેમના પક્ષના સભ્યો બળવો પોકારી તેમને હટાવી શકે અથવા જનરલ ઈલેક્શન થાય તો લેબર પાર્ટીના જેરેમી કોર્બીન સત્તા પર આવી શકે તેવી સંભાવનાઓ ઈયુના નેતાઓ જોઈ રહ્યા છે.

વડા પ્રધાન થેરેસાએ આફ્રિકાની મુલાકાત ટુંકાવી તત્કાળ યુકે પરત આવવા પ્રીતિ પટેલને આદેશ આપ્યો હતો. આ સમયે જ તેમના પર બરતરફીની તલવાર તોળાતી હતી. ગત બુધવારે જાતીય સતામણીના મુદ્દે ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોનના રાજીનામા પછી થેરેસા કેબિનેટમાંથી બીજુ રાજીનામું આવતા સરકારની સ્થિરતા સામે પ્રશ્નો સર્જાયા છે. અગાઉ, વડા પ્રધાને ફોરેન એઈડ મિનિસ્ટરને આ બેઠકો અંગે ભારે ઠપકો આપ્યો હોવાનું પણ કહેવાય છે. વડા પ્રધાન આ બેઠકો અંગે જાણકારી ધરાવતાં હોવાના પણ આક્ષેપો થયા છે.

થેરેસા મે કેબિનેટમાં ભારતીય મૂળના એક માત્ર અને પ્રથમ સાંસદ તેમજ ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલ રાજીનામું આપે તેવી માગણીઓ થઈ હતી. ઈઝરાયેલની ગુપ્ત બેઠકો અંગે સાંસદોના પ્રશ્નોનો ઉત્તર આપવા તેઓ હાઉસ ઓફ કોમન્સમાં હાજર રહ્યાં ન હતાં. લેબર પાર્ટીએ વડા પ્રધાનને લખેલા પત્રમાં મિનિસ્ટરની આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ કરવા બદલ પ્રીતિ પટેલ પર તમારો વિશ્વાસ શા માટે છે તેનો ખુલાસો માગ્યો છે.

 પ્રીતિ પટેલે ગત ઓગસ્ટ મહિનામાં તેઓ ઈઝરાયેલમાં વેકેશન ગાળવાં ગયાં ત્યારે તેમણે વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સહિત ઈઝરાયેલી રાજકીય નેતા, જૂથો અને અધિકારીઓ સાથે બાર બેઠકો યોજી હોવાનું બહાર આવતા થેરેસા સરકારમાં ધરતીકંપ સર્જાયો છે. આ પછી, બીજી બે બેઠકો અંગેની વિગતો પણ બહાર આવી છે. પ્રીતિ પટેલે વિવાદિત ગોલન હાઈટ્સ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઈઝરાયેલી આર્મીને બ્રિટિશ સહાયના નાણા આપવાનો પણ નિર્દેશ કર્યો હતો. મિસ પટેલે આ બેઠકો અંગે વડા પ્રધાન કે સાથીદારોને કશું જણાવ્યું ન હતું. જોકે, પ્રીતિ પટેલે ભારપૂર્વક દાવો કર્યાનું કહેવાય છે કે ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન તેમની આ મુલાકાત અંગે જાણતા હતા. જોકે પાછળથી તેમના ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે ફોરેન સેક્રેટરીને આ મુલાકાતની આગોતરી જાણ ન હતી.

પ્રીતિ પટેલે માફી માંગતાં જણાવ્યું હતું કે ‘આ બેઠકો સામાન્ય પ્રોસિજરને સુસંગત ન હતી. આ ઉનાળામાં હું મારા ખર્ચે પારિવારિક વેકેશન ગાળવા ગઈ હતી ત્યારે ત્યાં મહત્ત્વના લોકો અને સંગઠનોને મળવાની તક ઝડપી હતી. હું કોને મળી હતી તેની યાદી હું જાહેર કરીશ. ફોરેન અને કોમનવેલ્થ ઓફિસને મારી મુલાકાત ચાલતી હોવા વિથે જાણ હતી. જોકે, આ રીતે સંપર્ક કરવાથી ખોટું અર્થઘટન કરાશે તે હવે સમજાયું છે. જે રીતે બેઠકો યોજાઈ અને જાહેરાત થઈ તે સામાન્ય પદ્ધતિને સુસંગત ન હતું. હું આ માટે દિલગીર છું અને તે માટે મેં માફી માગી છે.’ બીજી તરફ, વડા પ્રધાન થેરેસાએ પણ પ્રીતિ પટેલના રાજીનામાના પ્રતિભાવમાં સ્પષ્ટ કર્યું હતું કે વધુ વિગતો બહાર આવી છે તેને જોતાં જો રાજીનામું આપ્યું ન હોત તો તેમને બરતરફ કરી શકાતાં હતાં.

શેડો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી કેટ ઓસામેરે કોમન્સમાં મિસ પટેલની ગેરહાજરીને ‘અસ્વીકાર્ય’ ગણાવતાં તેમની વિરુદ્ધ કેબિનેટ ઓફિસ દ્વારા તપાસ અથવા રાજીનામું આપે તેવી માગણી કરી હતી. જોકે, ફોરેન ઓફિસ મિનિસ્ટર એલિસ્ટર બર્ટે સાંસદોને જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્રિકાના પૂર્વ આયોજિત સત્તાવાર પ્રવાસે છે. પટેલે બેઠકો યોજવાની જાણ બ્રિટિશ રાજદ્વારીઓને પણ કરી ન હતી જે પરંપરાની વિરુદ્ધ છે. ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે આ મુલાકાતથી યુકેના હિતોને કોઈ નુકસાન કે અસર થયાં નથી.

મિસ પટેલની ઈઝરાયેલ મીટિંગ્સ વડા પ્રધાન થેરેસા મે માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે, જેઓ ડિફેન્સ સેક્રેટરીપદેથી માઈકલ ફેલોનના રાજીનામા તરફ દોરી જનારા કૌભાંડનો સામનો કરી રહ્યાં છે. ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું હતું કે મિસ પટેલ ઈઝરાયેલી વડા પ્રધાન નેતાન્યાહુ સહિત અગ્રણીઓ સાથે શ્રેણીબદ્ધ ગુપ્ત બેઠકો યોજ્યા પછી ઈઝરાયેલી આર્મી માટે નાણાસહાય મોકલવાં ઈચ્છતાં હતાં.

આ વર્ષે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાન વતી દિવાળી સમારંભ યોજનારાં પ્રીતિ પટેલ બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં તેઓ યુકે અને ભારતીય સરકારો વચ્ચે સેતુ બની રહ્યા હતા અને અનેક સત્તાવાર મુલાકાતોમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter