પ્રીતિ પટેલે આંતરરાષ્ટ્રીય સહાય અને વિકાસને તદ્દન નવી જ દિશા આપી

રુપાંજના દત્તા Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના મિનિસ્ટર પ્રીતિ પટેલ આંતરરાષ્ટ્રીય સહાય અને વિકાસના મુદ્દાને તદ્દન નવી જ દિશા આપી રહ્યાં છે. તાજેતરની વિદેશ મુલાકાત દરમિયાન મિનિસ્ટર પટેલે સ્પષ્ટતા કરી હતી કે યુકે ગરીબ દેશોને સહાય અને વિકાસના નાણા આપે છે તેનો ઉપયોગ માત્ર પરંપરાગત સહાય કાર્યક્રમો હેઠળ લોકોને તત્કાળ મદદ તરીકે નાણા વહેંચવા માટે નહિ પરંતુ, વેપાર, નોકરીના સર્જન, રોકાણ, શિક્ષણ અને કૌશલ્યવર્ધન માટે કરાય તેમ ઈચ્છે છે.

‘ગુજરાત સમાચાર’ અને એશિયન વોઈસ’ સાથે વિશેષ મુલાકાતમાં પ્રીતિબહેન પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુકે સહાય માટે નવું ફોકસ પરંપરાગત માનવતાવાદી સહાયથી દૂર જવાનું જ નથી. સહાય મેળવતા દેશો પણ સહાય પર આધાર રાખવાના બદલે ઈથિયોપિયન અર્થતંત્ર જેવાં આધુનિક મધ્યમ-આવકના વેપારી દેશો બનવા તરફ આગળ વધે તે જોવાનો છે. તેમની ચર્ચાના એજન્ડામાં માનવતાવાદી મુદ્દાઓ, નેતૃત્વની બાબતો, વૈશ્વિક સુરક્ષા, બાળમજૂરી અને માનવ તસ્કરીનું જોખમ, શિક્ષણ અને કૌશલ્યને સમર્થનનો સમાવેશ કરાયો હતો.

તેમણે કહ્યું હતું કે નોકરીનું સર્જન, નિર્વાહ, તેના માટે શિક્ષિત કરવા કે ટ્રેનિંગ આપવી તે જ ગરીબી નિવારણ માટે શ્રેષ્ઠ માર્ગ છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો નોકરીઓનું સર્જન કરી શકે તેવી ફેક્ટરીઓ તૈયાર કરવામાં સહાય અને વિકાસના નાણાનો ખર્ચ થાય તે બ્રિટનના હિતમાં છે. ગરીબ દેશોમાં ખાનગી રોકાણો અને નિકાસવૃદ્ધિને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ ભવિષ્યમાં બ્રિટનના વેપાર ભાગીદારો બની શકે.

પોતાનાં હૃદયની નિકટ રહેલા ભારત વિશે તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને મારાં મૂળ દેશ ભારત સાથે ગાઢ નાતો તો રહેશે જ. બંને દેશો આર્થિક અને વેપાર એજન્ડાને વધારવા તેમજ આર્થિક ભાગીદારીના નવા ઉંબરે આવીને ઉભાં છે. ભારત હવે યુકે પાસેથી નાણાકીય સહાય મેળવતું નથી. ભારતીય અર્થતંત્રને યુકેનો સપોર્ટ ખાસ કરીને ઈનોવેટિવ બિઝનેસીસમાં ફંડ્સ અને ઈક્વિટી રોકાણો તેમજ વધુ લોકોને કૌશલ્ય હાંસલ કરવામાં, બિઝનેસ સ્થાપવામાં અને ખાનગી સેક્ટર્સમાં યુકેના રોકાણથી ગરીબોને મદદ કરવાના બે પાસામાં નિર્ધારિત કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter