લંડનઃ પૂર્વ બ્રિટિશ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં યુકેની સરકારને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવા રાજદ્વારી પ્રભાવનો ઉપયોગ કરવા અપીલ કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે સંસદમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની સ્થિતિ ગંભીર ચિંતાજનક છે. હિન્દુઓની સતામણી અને હત્યાઓ અટકવી જ જોઇએ.
પ્રીતિ પટેલે મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, 18 દિવસમાં ઓછામાં ઓછા 6 હિન્દુની હત્યા કરાઇ છે. આ પ્રકારની હિંસા અને સતામણી અસ્વીકાર્ય છે. એક જાહેર પત્રમાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, યુકેની સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે કેવા પ્રકારના પગલાં લેવાયાં તે જાહેર કરવામાં આવે. તેમણે સવાલ કર્યો હતો કે તાજેતરના સપ્તાહોમાં ફોરેન સેક્રેટરી અને મિનિસ્ટરોએ બાંગ્લાદેશી સત્તાવાળાઓ સાથે સીધો સંપર્ક કર્યો છે કે કેમ. શું લંડન સ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશ્નર સમક્ષ આ મુદ્દો ઉઠાવાયો છે અને યુકેના રાજદ્વારી પ્રભાવનો કેવી રીતે ઉપયોગ કરાયો છે.
યુકેમાં વસતા બાંગ્લાદેશી ડાયસ્પોરાની ચિંતાઓ અને હિતોની રજૂઆત કરતાં પ્રીતિ પટેલે હાઉસ ઓફ કોમન્સમાં સ્ટાર્મર સરકારના નિવેદનની માગ કરી હતી.


