લંડનઃ વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે ભારતીય સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમામ ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૯૪૭માં આઝાદી મેળવ્યા પછી ભારતની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે અને તેણે વિશિષ્ટ ઓળખ મેળવી છે. આપણે ભારતના સ્વાતંત્ર્ય દિને મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં એકસંપ તમામ સંસ્કૃતિઓ અને સમૃદ્ધ ઈતિહાસની ઉજવણી કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતનો પ્રભાવ રાષ્ટ્ર અને વિશ્વભરમાં ફેલાયેલા તેના ડાયસ્પોરા થકી વધી રહ્યો છે. ભારત શાંતિ, સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોના પ્રસાર માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે વિશ્વને વિકાસનું અનોખું મોડેલ આપ્યું છે. તે વેપારવણજ માટેનું કેન્દ્ર બની રહ્યું છે, જેની સાથે સંબંધો વધારવા વિશ્વના દેશો આતુર છે.