પ્રેયર રિચ્યુઅલ પોલિસી અંતર્ગત શાળામાં નમાઝ પરનો પ્રતિબંધ હાઇકોર્ટે યથાવત રાખ્યો

હાઇકોર્ટનો ચુકાદો તમામ શાળાઓનો વિજય, શાળા પર દબાણ કરી શકાય નહીઃ કેથરિન બિરબલસિંહ

Tuesday 16th April 2024 10:18 EDT
 
 

લંડનઃ શાળામાં નમાઝ સહિતની પ્રાર્થના પર મૂકાયેલા પ્રતિબંધને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. દેશની શ્રેષ્ઠ સરકારી શાળાઓ પૈકીની એક એવી બ્રેન્ટની માઇકેલા કોમ્યુનિટી સ્કૂલની એક વિદ્યાર્થિનીએ હેડ મિસ્ટ્રેસ કેથરિન બિરબલસિંહ દ્વારા પ્રાર્થના પર મૂકાયેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે શાળાની નમાઝ પર પ્રતિબંધની નીતિ પક્ષપાતી છે અને તેના ધર્મમાં નમાઝ ફરજિયાત હોવાથી તેના ધર્મ પર અસર પડી રહી છે.

વિદ્યાર્થિનીએ આરોપ મૂક્યો હતો કે ઇસ્લામના પાંચ સ્થંભમાંથી એક નમાઝ અંગે શાળાનું વલણ એક પ્રકારનો પક્ષપાત છે જે ધાર્મિક લઘુમતીઓને સમાજથી અલગ થલગ હોવાની અનુભૂતિ કરાવે છે. આ કેસની સુનાવણી જાન્યુઆરીમાં કરાઇ હતી.

વિદ્યાર્થિનીના કેસને રદ કરતાં મિસ્ટર જસ્ટિસ લિન્ડને તેમના 83 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે ફરિયાદી સારી રીતે જાણતી હતી કે તે આ શાળામાં પ્રવેશ લેશે તો તેને નિયંત્રણોનું પાલન કરવું પડશે. તે સારી રીતે જાણે છે કે આ શાળા બિનસાંપ્રદાયિક છે અને તે પોતે જ સ્વીકારે છે કે આ શાળા શિસ્તપાલનમાં કડક હોવાના કારણે તેની માતા ઇચ્છતી હતી કે તે આ શાળામાં અભ્યાસ કરે. તેણે જાતે જ સ્વીકાર્યું છે કે પ્રેયર રિચ્યુઅલ પોલિસી અમલી બનાવાઇ તેના ઘણા સમય પહેલાંથી તે અને તેની મિત્રો જાણતાં હતાં કે શાળામાં નમાઝને પરવાનગી નથી તેથી તેણે ઘેર જઇને નમાઝ અદા કરવી પડશે.

મિસ્ટર જસ્ટિસે જણાવ્યું હતું કે, પ્રેયર રિચ્યુઅલ પોલિસીના કારણે શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ગેરલાભ થતો હશે પરંતુ આ નીતિ સમગ્ર વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાઇ છે.

શાળાના હેડ મિસ્ટ્રેસ કેથરિન બિરબલસિંહે જણાવ્યું હતું કે, આ તમામ શાળાઓનો વિજય છે. વિદ્યાર્થીઓના હિતમાં જે સારું છે તે કરવાની શાળાઓને પરવાનગી હોવી જોઇએ. અદાલતનો ચુકાદો તમામ શાળાઓનો વિજય છે. એક વિદ્યાર્થી કે તેના વાલી દ્વારા શાળાને એ કરવાનું દબાણ ન કરવું જોઇએ જે તેમને ગમતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter