લંડન
ભારતમાં ગયા બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ યોજાઇ ગયો. આ સમારોહમાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકના સાસુ અને ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે રિશી સુનાકના પત્ની અને સુધા મૂર્તિના પુત્રી અક્ષતા મૂર્તિ હાજર રહ્યાં હતાં. તેઓ પરિવારના સભ્યોની સાથે મધ્યમાં આવેલી હરોળમાં બેઠાં હતાં પરંતુ સરકારી અધિકારીઓની નજર પડતાં તાત્કાલિક નિર્ણય લઇને તેમને ભારતના વિદેશપ્રધાન એસ જયશંકરની બાજુની ખુરશીમાં બેસવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. પ્રોટોકોલને ધ્યાનમાં લેતાં તાત્કાલિક આ વ્યવસ્થા કરાઇ હતી. બ્રિટનના ફર્સ્ટ લેડી એવા અક્ષતા મૂર્તિની બીજીતરફ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને સ્થાન અપાયું હતું. અનુરાગ ઠાકુર જેવા સરકારના અન્ય મંત્રીઓ પણ આ જ હરોળમાં સામેલ હતાં. ભારતનું રાષ્ટ્રગીત ગવાયું ત્યારે અક્ષતા મૂર્તિ જયશંકરની સાથે ઊભા હતાં. આ પ્રસંગે અક્ષતા મૂર્તિની સાથે બ્રિટિશ સિક્યુરિટીના કોઇ અધિકારીઓ હાજર નહોતા. તેઓની સાથે તેમના પિતા નારાયણ મૂર્તિ, ભાઇ રોહન મૂર્તિ અને સુધા મૂર્તિના બહેન આ સમારોહમાં સામેલ થયાં હતાં. સૂધા મૂર્તિને તેમના સામાજિક કાર્યો માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયાં છે.


