લંડનઃ બ્રેડફોર્ડના પ્રોફેસર મહેન્દ્ર પટેલને UNESCO (યુનેસ્કો-યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના બાયોએથિક્સ ઈન્ટરનેશનલ પ્રોગ્રામમાં ફેકલ્ટી અને ટીચિંગ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વૈશ્વિક નિષ્ણાતોને પ્રથમ પ્રકારના વેબિનારથી સંબોધન કરશે. તેમને એપ્રિલ મહિનામાં જ નિયુક્તિ અપાઈ હતી પરંતુ, તેમણે જુલાઈ મહિનાથી જ ફાર્મસી ક્ષેત્રના લબ્ધપ્રતિષ્ઠિત નિષ્ણાતોની પેનલ તરીકે યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામમાં ૧૬મા અને ફાર્મસીને સાંકળતા સર્વપ્રથમ વેબિનારમાં મદદની શરુઆત કરી છે. પ્રોફેસર પટેલની એપોઈન્ટમેન્ટનો કાર્યકાળ ૨૦૨૩ સુધીનો રહેશે.
ટીચિંગ ફેકલ્ટી મેમ્બર તરીકેની ભૂમિકામાં પ્રોફેસર પટેલ યુનેસ્કો ચેર ઓફ બાયોએથિક્સ ઓસ્ટ્રેલિયા એશિયા પેસેફિક ડિવિઝનના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના ઈન્ટરનેશનલ પ્રોગ્રામમાં ફાર્મસી બાયોએથિક્સ પર કામ કરશે. યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડમાં ફેકલ્ટી ઓફ લાઈફ સાયન્સીઝના વિઝિટિંગ ઓનરરી પ્રફેસર મહેન્દ્ર પટેલ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના નેશનલ બોર્ડ મેમ્બર હોવા સાથે ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિયેશનના ઈન્ટરનેશનલ ફેલો પણ છે.
વેકફિલ્ડમાં રહેતા પ્રોફેસર પટેલે યુનેસ્કોમાં તેમની નિયુક્તિને ‘મહાન સૌભાગ્ય અને ગૌરવપ્રદ’ ગણાવતા કહ્યું હતું કે તેઓ તેમની આ પોઝિશનનો ઉપયોગ સૌપહેલા કોવિડ-૧૯નો પ્રતિસાદ વાળવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફાર્મસી પ્રોફેશને જે નૈતિક મુદ્દાઓનો સામનો કરવો પડ્યો હતો તેને પ્રકાશમાં લાવવામાં મદદરુપ થવામાં કરશે.
પ્રોફેસર પટેલે તાજેતરમાં જ લોકોમાં કોરોના વાઈરસ બાબતે જાગૃતિ કેળવાય તે માટે બેટલી અને ડ્યૂઝબરીમાં મસ્જિદો તેમજ અન્ય સ્થળોનો પ્રવાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ આ એપોઈન્ટમેન્ટ વિશે મેં જોરશોરથી કહ્યું નથી પરંતુ, તેની સાથે જે સ્તરનો પ્રભાવ આવે છે અને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવાની ક્ષમતા મળે છે તે અર્થમાં આ નોંધપાત્ર ભૂમિકા છે. વર્તમાનમાં મારા રાષ્ટ્રીય કાર્યનો હિસ્સો મુખ્યત્વે લોકોને, ખાસ કરીને BAME અને કચડાયેલી કોમ્યુનિટીઓના લોકોને કોવિડ-૧૯ સંદર્ભે શિક્ષિત કરવાનો રહ્યો છે. મારું માનવું છે કે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પશ્ચાદભૂ સાથેના લોકો સાથે અસરકારક સંપર્ક અને સંવાદ કરવા સંબંધે આપણે વધુ સક્રિયતા દાખવવાની જરુર છે.’
તેમણે કહ્યું હતું કે,‘ આપણે આ કોમ્યુનિટીઓને સાંસ્કૃતિક દૃષ્ટિએ સક્ષમ અને લક્ષ્યાંકિત શિક્ષણ આપવાની, કોરોના વાઈરસનો ચેપ લાગવાના જોખમને ઓછામાં ઓછું રાખવા તેઓ શું અને વધુ સારી રીતે કેમ કરી શકે તેની સલાહ સાથે સપોર્ટ કરવાની જરુર છે. આનો અર્થ વધુ ટેસ્ટિંગ તેમજ વ્યક્તિના આરોગ્યની સ્થિતિ વિશે હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે સારી રીતે વાતચીત કરી શકે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા જગાવવા વિવિધ કોમ્યુનિટીઓ સાથે નિકટતાથી કામ કરવાનો છે. આ બાબત હાઈ રિસ્ક ગ્રૂપ્સ સાથે સાચા અને અર્થપૂર્ણ સંબંધો બાંધવાની તેમજ અસ્તિત્વ ધરાવતા સાંસ્કૃતિક, ભાષાકીય અને વર્તનના અવરોધો પર વિજય મેળવવાની છે અને આમ કરવાનો માર્ગ પણ છે.’
પ્રોફેસર પટેલે જણાવ્યું હતું કે તેઓ લોકોનું આરોગ્ય સુધારવા અને આરોગ્યની અસમાનતાઓ ઘટાડવા કોમ્યુનિટીઓ અને સરકારી હેલ્થ એડવાઈઝ વચ્ચે સેતુનિર્માણમાં મદદરુપ બનવા સ્થાનિક ફાર્માસિસ્ટ્સને વ્યાપકપણે ગતિશીલ બનાવવાની હિમાયત કરતા રહ્યા છે.