લંડનઃ ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણનું મોજું શમી રહ્યું છે ત્યારે લોકો નિયંત્રણોથી આઝાદીનો શ્વાસ લઈ શકે તે માટે સરકારે પ્લાન બી કોવિડ નિયંત્રણો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. લોકો માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું તેમજ મોટા ઈવેન્ટ્સમાં હાજરી આપવા કોવિડ પાસ દર્શાવવાનું ફરજિયાત નહિ રહે. સરકારે વર્ક ફ્રોમ હોમની સલાહ પણ પાછી ખેંચી લીધી છે. જોકે, કોરોના સંક્રમિતોએ પાંચ દિવસના ફરજિયાત કોરોના આઇસોલેશનમાં જવાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ઉપરાંત, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ફરજિયાત કોવિડ ટેસ્ટિંગનો નિયમ ૧૧ ફેબ્રુઆરીથી રદ કરાઈ રહ્યો છે.
બોરિસ જ્હોન્સન સરકારે ઓમિક્રોન વેરિએન્ટના તીવ્ર મોજાને કારણે અમલી બનાવેલાં ‘પ્લાન બી’ નિયંત્રણો પાછા ખેંચવા નિર્ણય લીધો છે. આ પ્રતિબંધોની સમયમર્યાદા ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ થવાની છે અને સરકાર તેને લંબાવવાની ન હોવાથી ૨૭ જાન્યુઆરીથી નાગરિકો પર નિયંત્રણો અમલી નહિ થાય. લોકો ૨૭ જાન્યુઆરી, ગુરુવારથી કામકાજ કરવા ઓફિસે જઈ શકશે એટલે કે વર્ક ફ્રોમ હોમનો નિયમ રદ કરાશે. આ ઉપરાંત, મોટા ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે જરૂરી ગણાયેલા કોવિડ પાસ કે વેક્સિનેશન સર્ટિફિકેટ્સ પણ આવશ્યક નહિ રહે. શાળા-કોલેજના ક્લાસરુમ્સમાં પણ ફરજિયાત ફેસ માસ્ક પહેરવાનો અંત આવશે.
દરમિયાન, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ઈંગ્લેન્ડમાં વિદેશથી આવતા અથવા વિદેશ પ્રવાસથી દેશમાં પાછાં આવી રહેલા પ્રવાસીઓના સંદર્ભે કોવિડ ફોરેન ટ્રાવેલ નિયમોમાં ફેરફારની સોમવાર ૨૪ જાન્યુઆરીએ જાહેરાત કરી છે. સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓ ઈંગ્લેન્ડમાં આવે ત્યારે તેમને કોવિડ ટેસ્ટિંગ કરાવવું પડતું હતું તેની જરૂર નહિ રહે. જોકે, આ ફેરફાર તત્કાળ નહિ પરંતુ, ૧૧ ફેબ્રુઆરીથી અમલી કરાશે.
બીજી તરફ, કોરોના કે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકો માટે પાંચ દિવસના સેલ્ફ આઈસોલેશનના નિયંત્રણમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ નિયમ ૨૪ માર્ચે સમાપ્ત થવાનો છે પરંતુ, પરિસ્થિતિ અનુસાર તેનો વહેલો અંત આવી શકે છે. હવે સરકારી નિયંત્રણોનો અંત આવી રહ્યો છે ત્યારે લોકોએ વધુ સજાગતા દર્શાવવી પડશે અને સ્વયંશિસ્તનું પાલન કરી ચેપ લાગે નહિ તેવી કાળજી રાખવી પડશે.


