લંડનઃ પૂર્વ લંડનમાં પ્લાનિંગ પરમિશન વિના ચલાવવામાં આવી રહેલા એક મુસ્લિમ સામુદાયિક કેન્દ્રને તેની પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડર્બી રોડ પર સ્થિત ઈસ્ટ આફ્રિકા મુસ્લિમ કલ્ચરલ ગ્રુપ કાઉન્સિલ દ્વારા જાન્યુઆરી મહિનામાં જારી કરાયેલી પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસને રદ કરાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ ચાલુ મહિને આ જગ્યાનો શૈક્ષણિક હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી મેળવવાની તેની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. ન્યુહામ કાઉન્સિલના પ્લાનિંગ દસ્તાવેજો અનુસાર આ જૂથના મુખ્ય મથકનો ઉપયોગ ગેરકાયદેસર સામુદાયિક કેન્દ્ર અને પ્રાર્થના સ્થળ તરીકે કરવામાં આવી રહ્યો છે.
ગ્રુપ દ્વારા સૌપ્રથમ ડિસેમ્બર 2013માં 75 ડર્બી રોડ પર આવેલી પોતાની ઓફિસોને યુથ ક્લબમાં ફેરવવા માટે અરજી કરાઇ હતી. જોકે કાઉન્સિલને આ પ્રસ્તાવ સામે આસપાસના રહીશો તરફથી વાંધા અરજીઓ અને 87 લોકોની સહી ધરાવતી એક પિટિશન મળી હતી, જેમાં ત્યાં થનારા ઘોંઘાટ અને અડચણો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેથી અધિકારીઓએ પ્લાનિંગ પરમિશન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, આ ફેરફારથી રહેણાંક વિસ્તારમાં અસ્વીકાર્ય સ્તરનો ઘોંઘાટ અને ન્યુસન્સ સર્જાશે. આ નિર્ણય સામે સંસ્થાએ સરકારની પ્લાનિંગ ઇન્સ્પેક્ટોરેટ સમક્ષ કરેલી અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.

