પ્લાસ્ટિક કેરિયર બેગ્સની કિંમત હવે ૧૦ પેન્સઃ ૨૧ મેથી અમલ

Wednesday 05th May 2021 06:50 EDT
 
 

લંડનઃ ઈગલેન્ડની તમામ શોપ્સને પ્લાસ્ટિક બેગની કિંમત બમણી કરી ૧૦ પેન્સ રાખવાનો આદેશ કરાયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરિયર બેગ્સની કિંમત હાલ પાંચ પેન્સ છે તેને ૨૧ મેથી બમણી કરી ૧૦ પેન્સ કરવાની રહેશે. આના પરિણામે આગામી ત્રણ વર્ષમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગમાં ૮૦ ટકાનો ઘટાડો થવાની આશા છે.

જાયન્ટ સુપરમાર્કેટ ચેઈન્સથી માંડી કોર્નર શોપ્સ, વસ્ત્રોના નાના બુટિક્સ, બુચર્સ, ગ્રીનગ્રોસર્સ અને એરપોર્ટ ડ્યૂટી-ફ્રી સ્ટોર્સ સહિત ઈંગ્લેન્ડના તમામ રીટેઈલર્સ ૨૧ મેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરિયર બેગ્સની કિંમત ૧૦ પેન્સ વસૂલશે, જે હાલ પાંચ પેન્સની છે. હાલ પાંચ પેન્સની લેવી ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતા રીટેઈલર્સને જ લાગુ પડે છે. જોકે આના પરિણામે, ઈંગ્લેન્ડમાં વ્યક્તિ મોટા સ્ટોર્સની ચેઈનમાંથી વાર્ષિક સરેરાશ ચાર બેગની જ ખરીદી કરે છે. ૨૦૧૪માં ૧૪૦ બેગ્સની કરાતી ખરીદીની સરખામણીએ આ ઘણી ઓછી ખરીદી છે. સ્ટોર્સ દ્વારા અપાતી સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરિયર બેગ્સની સંખ્યામાં પણ ૯૫ ટકાથી વધુ કાપ મૂકાયો છે. હવે નવા ૧૦ પેન્સના ટેક્સથી પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ત્રણ વર્ષમાં વધુ ૮૦ ટકા ઘટશે તેવી મિનિસ્ટર્સને આશા છે. ઘણા વર્ષથી બ્રિટનમાં પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ઘટાડવાના અભિયાને જોર પકડ્યું છે.

મોટા રીટેઈલર્સે તેઓ દર વર્ષે કેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરિયર બેગ્સ વેચે છે તેની નોંધ રાખવાની થશે. કો-ઓપ દ્વારા તો તેના ૨,૬૦૦ સ્ટોર્સમાં તમામ હેવી ડ્યૂટી પ્લાસ્ટિક્સ બેગ ફોર લાઈફ હટાવવાની જાહેરાત કરી છે. બ્રિટનમાં આવી વાર્ષિક ૧.૫ બિલિયનથી વધુ હેવી ડ્યૂટી પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ થાય છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter