લંડનઃ પ્લાસ્ટિક કેરિયર બેગ્સ માટે પાંચ પેન્સની ફરજિયાત ચુકવણી નહિ કરનારા ખરીદારો શોપલિફ્ટિંગનો ગુનો કરતા હોવાનું ગણાશે તેવી ચેતવણી પર્યાવરણ મિનિસ્ટર રોરી સ્ટુઅર્ટે આપી છે. કચરામાં વધારો તેમ જ વન્યજીવનને જોખમી પ્લાસ્ટિક બેગ્સનો વપરાશ ઘટાડવા સરકારે લેવીનું પગલું લીધું છે. દર પાંચ પેન્સના ચાર્જમાંથી ૦.૮૩ પેન્સ વેટ તરીકે સરકારી તિજોરીમાં જશે.
ઈંગ્લેન્ડના સુપરમાર્કેટ્સમાં પાંચ ઓક્ટોબરથી આ ચાર્જ દાખલ કરાયો છે. આના પરિણામે, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ સહિત સમગ્ર દેશમાં સમાન નિયમ રહેશે. વેલ્સમાં ૨૦૧૧માં આ નિયમ દાખલ કરાયો હતો. સ્કોટલેન્ડમાં એક વર્ષથી અમલ કરાયો હોવાં છતાં એક જ વખત વપરાય તેવી પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ૮૦ ટકાથી વધુ ઘટ્યો છે. ફેંકી દેવાતી બેગ્સની સંખ્યામાં બિલિયન્સના હિસાબે ઘટાડો થવાનો સરકારનો અંદાજ છે. કચરો કરનારને £૮૦થી £૧૦૦નો દંડ કરવામાં આવે તેવું પગલું પણ સરકાર વિચારી રહી છે. રીટેઈલર્સ પ્લાસ્ટિક બેગ્સ માટે ચાર્જ કરે છે કે નહિ તેના પર લોકલ ઓથોરિટીઝ નજર રાખશે.
ગ્રાહકો માટે પ્લાસ્ટિક બેગ્સ પર ફરજિયાત પાંચ પેન્સનો ચાર્જ લગાવાયો છે. જોકે, મોટા સુપરમાર્કેટ્સની ચેઈન્સ દ્વારા અપાનાર આ નવી બેગ્સ અગાઉ મફત અપાતી બેગ્સની સરખામણીએ થોડી જાડી હશે, જેના કારણે તેમાં બોટલ્સ મૂકી શકાશે. અગાઉ, બોટલ્સના વજનથી બેગ ફાટી ન જાય તે માટે બે બેગ્સ ઉપયોગમાં લેવાતી હતી. ગ્રાહકો પણ નકામી થયેલી બેગ્સ પાછી આપીને બદલામાં નવી સારી બેગ્સ મફત મેળવી શકશે. ઈંગ્લેન્ડમાં ૮૦૦૦ જેટલી કોર્નર શોપ્સ, ન્યુઝ એજન્ટ્સ અને ગામડાંના સ્ટોર્સ પ્લાસ્ટિક બેગ્સ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. જોકે, નવા નિયમો હેઠળ તેમના માટે આવો ચાર્જ લગાવવો ફરજિયાત નથી.