પ્લાસ્ટિક બોટલ રિસાઈકલ કરો અને ૨૦ પેન્સનું પ્રોત્સાહન મેળવો

Wednesday 24th March 2021 06:27 EDT
 
 

લંડનઃ પર્યાવરણના બચાવ અને વેડફાટના ઉપાય તરીકે પ્લાસ્ટિકની દરેક ખાલી બોટલ રિસાઈકલ કરવા માટે બ્રિટિશરોને ૨૦ પેન્સનું નાણાકીય પ્રોત્સાહન આપવાની યોજના ઘડાઈ રહી છે. કેબિનેટ ઓફિસ સેક્રેટરી માઈકલ ગોવે છેક ૨૦૧૯માં આ મૌલિક વિચાર રજૂ કર્યો હતો પરંતુ, મિનિસ્ટર્સે તેના અમલમાં પારોઠના પગલાં ભર્યા હતા.

હવે સરકાર નવેસરથી કન્સલ્ટેશન લોન્ચ કરવા તૈયાર છે જેની વિગતો ટુંક સમયમાં જ જાહેર કરાશે. બ્રિટિશરો દર વર્ષે ૧૪ બિલિયન પ્રાસ્ટિક ડ્રિન્ક્સ બોટલ્સ, ૯ બિલિયન કેન્સ અને પાંચ બિલિયન ગ્લાસ બોટલ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી ઘણાનો ઉપયોગ માત્ર એક વખત કરાતો હોય છે. કેટવીક બોટલ્સ અને કેન્સ નદી અને દરિયાકિનારે ફેંકાય છે અને તેના સંપૂર્ણ વિઘટન માટે ૪૫૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

નવેમ્બરમાં ગ્લાસગો ખાતે COP26 ક્લાઈમેટ ચેન્જ શિખર પરિષદ યોજાય તે પહેલા જ નવી યોજના અમલી બનાવાય તેવી શક્યતા જણાય છે. યોજનામાં મુખ્યત્વે પ્લાસ્ટિક બોટલ્સ પર ભાર મૂકાશે પરંતુ, કેન્સ અને ગ્લાસ બોટલ્સનો સમાવેશ પણ થઈ શકે છે. વિશ્વમાં ૪૫ જેટલા દેશમાં આવી યોજના અમલમાં છે અને તેનાથી રિસાઈકલિંગ દરમાં ભારે અસર પડશે. સ્કોટલેન્ડમાં ડિપોઝીટ રિટર્ન સ્કીમ આગામી વર્ષથી અમલમાં મૂકાવાની શક્યતા છે. પર્યાવરણ કેમ્પેઈનર્સ તમામ પ્રકાર અને કદની બોટલ્સને આવરી લેવાનો મત ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter