શાહી મહેલમાં પ્લાસ્ટિકની પાણીની બોટલો અને સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને ક્વીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપ્યું છે. બકિંગહામ પેલેસ દ્વારા જણાવાયું હતું કે ક્વીનના મિત્ર સર ડેવિડ એટનબરોની બીબીસી પર આવતી સિરીઝ ‘બ્લૂ પ્લેનેટ ૨’માં આ મુદ્દા પર ભાર મૂકાયો હતો. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની ક્વીનની દ્રઢ ઈચ્છા છે.
તમામ પેલેસોમાં હવે મીટિંગોમાં કાચની બોટલમાં પાણી અપાશે. બકિંગહામ પેલેસ અને એડિનબરાના હોલિરુડ પેલેસ સહિત શાહી નિવાસસ્થાનોના પબ્લિક કાફેમાં પ્લાસ્ટિક સ્ટ્રોનો વપરાશ ધીમેધીમે બંધ કરી દેવાશે. સ્ટાફ માટેની કેન્ટિનોમાં પણ ચાઈના પ્લેટ્સ, ગ્લાસ અને રિસાયકલેબલ પેપર કપનો ઉપયોગ કરાશે. ટેક અવે આઈટમ્સ કમ્પોસ્ટેબલ પેકજિંગમા અપાશે. શાહી સ્થળો પર માલસામાનની હેરફેરમાં રિયુઝેબલ પેકેજિંગનો ઉપયોગ થશે.
• કુપોષણને લીધે NHSમાં વિક્રમ સંખ્યામાં મોત
NHS હોસ્પિટલોમાં કુપોષણને લીધે દરરોજ એક મૃત્યુ સાથે વિક્રમી સંખ્યામાં દર્દીના મોત થયા હતા. ચેરિટીઝ દ્વારા જણાવાયું હતું કે સંખ્યા ‘ચોંકાવનારી’ હતી. તેમણે નબળા વૃદ્ધ દર્દીઓને ખાવા પીવામાં મદદ મળે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલોને જણાવ્યું હતું.
• રેસ્ટોરાના શેફે ગ્રાહકના મોં પર મરચુ ફેંક્યુ
સાઉથ વેલ્સમાં ટોનીપેન્ડી ખાતે આવેલી પ્રિન્સ ઓફ બેંગાલ રેસ્ટોરાંના ૪૭ વર્ષીય માલિક અને શેફ કમરુલ ઈસ્લામે ચીકન કરી રબર જેવી હોવાની ફરિયાદ કરી રહેલા ગ્રાહક ડેવિડ ઈવાન્સના મોં પર મરચું પાવડર ફેંકતા તેને આંખોમાં ભારે બળતરા થતા કોર્ટમાં કેસ કર્યો હતો. મેર્થીર ટાઈડફિલ ક્રાઉન કોર્ટને જણાવાયું હતું કે ઈવાન્સ તેમના પત્ની સાથે સાંજે ૭ વાગે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયા હતા. તેમણે ચીકન કરી વિશે ફરિયાદ કરતા આ ઘટના બની હતી.
• ઈમામના આક્ષેપ બાદ જેલના પાદરીની હકાલપટ્ટી
સાઉથ લંડનની બ્રિક્સટન જેલમાં ૧૯ વર્ષ સુધી કેદીઓને મદદરૂપ થયેલા ૪૮ વર્ષીય પાદરી પોલ સોંગ પર તેઓ વધુ પ્રમાણમાં ખ્રિસ્તી માન્યતાઓનો ઉપદેશ આપતા હોવાના આક્ષેપ સાથે પાદરીના પદેથી દૂર કરાયા હતા. ગયા વર્ષે ઈમામ મોહમ્મદ યુસુફ એહમદ સાથે વિવાદ બાદ એહમદને મેનેજિંગ ચેપ્લીન બનાવાયા હતા. એહમદે દાવો કર્યો હતો કે સોંગ જે આલ્ફા કોર્સ શીખવતા હતા તે વધુ પડતો ઉદ્દામવાદી હતો.
સાઉથ કોરિયામાં પોલીસ ઓફિસર તરીકે રહી ચૂકેલા સોંગે જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૧૭માં તેમને બળજબરીપૂર્વક તેમના હોદ્દેથી દૂર કરાયા હતા. એક કેદીએ તેમની પર આક્ષેપ કર્યો હતો કે સોંગે તેને ‘આતંકવાદી’ કહ્યો હતો. સોંગ કેદી સાથે ગેરવર્તણુંકના આક્ષેપોનો પણ સામનો કરી રહ્યા છે.
• કાનની સલામતી માટે ઈયર પ્લગ જરૂરી
નાઈટ ક્લબમાં માત્ર ૧૫ મિનિટ જ રહેવાથી કાનમાં ધાક પડે તેવું બની શકે. બહેરાશ માટે કાર્યરત ચેરિટી એક્શન ઓન હિયરિંગ લોસના ચીફ એક્ઝિક્યુટિવ પોલ બ્રેકેલે ચેતવણી આપી હતી કે ઘોંઘાટીયા સંગીતથી બચવા માત્ર ઈયરપ્લગ જ કાનને રક્ષણ આપી શકે છે.
• લોઈડ્ઝ લઘુમતી સ્ટાફ વધારશે
લોઈડ્ઝ બેંકિંગ ગ્રૂપ ૨૦૨૦ સુધીમાં તેના સિનિયર મેનેજરોમાં બ્લેક, એશિયન એન્ડ એથનીક માઈનોરિટી (BAME) સ્ટાફનું પ્રમાણ વધારીને ૮ ટકા કરશે. FTSE100 કંપનીઓમાં આ જાહેરાત કરનારી પ્રથમ કંપની છે અને તેનું ઈક્વિટી વોચડોગે સ્વાગત કર્યું છે.
• KPMGને મળતા કોન્ટ્રાક્ટ્સમાં ઘટાડો
મોટી ચાર એકાઉન્ટિંગ ફર્મને સંડોવતા શ્રેણીબદ્ધ હાઈ પ્રોફાઈલ કૌભાંડો વચ્ચે KPMGને યુકે પબ્લિક સેક્ટર દ્વારા મળતા નવા કોન્ટ્રાક્ટ્સની કિંમતમાં ૨૦૧૫થી લગભગ ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
• બાળકોની અવગણના માટે ડ્રિંક્સ જવાબદાર
ઈંગ્લેન્ડમાં બેદરકારી અથવા અત્યાચારને લીધે થતા બાળકોના મૃત્યુ અથવા ગંભીર ઈજાના દર ત્રણમાંથી એક કિસ્સામાં પેરેન્ટ્સ દ્વારા થતું મદ્યપાન જવાબદાર હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ક્રોસ પાર્ટી ગ્રૂપ ઓફ મેયર્સ એન્ડ પીઅર્સના અભ્યાસમાં જણાયું હતું કે ૨૦૧૧થી ૨૦૧૪ દરમિયાન નોંધાયેલા આવા કિસ્સાના ૩૭ ટકામાં આલ્કોહોલનું સેવન જવાબદાર હતું. અભ્યાસમાં પેરન્ટ્સના શરાબસેવનથી અસર પામતા બાળકોની મદદ માટે વધુ ભંડોળ એકત્ર કરવા સૂચવાયું હતું.
• ભાવો વધતા ૭.૭૦ લાખ લોકો ‘મિલિયોનેર’ બન્યા
બ્રિટનમાં પ્રોપર્ટી ધરાવતા ૭૭૦,૦૦૦ લોકો મિલિયોનેર બની ગયા છે. તેમાંના મોટાભાગના લોકો લંડનમાં વસે છે. પ્રોપર્ટી વેબસાઈટ ‘ઝૂપ્લા’ના વિશ્લેષણ મુજબ સાઉથ ઈંગ્લેન્ડના કેટલાંક શહેરોમાં અડધા ઉપરાંત મકાનોની કિંમત ૧ મિલિયન પાઉન્ડ છે.
• હૂમલો કરનારા આતંકીઓએ સ્ટરોઈડ લીધું હતું
લંડન બ્રીજ અને બરો માર્કેટ હુમલામાં આઠ લોકોની હત્યા કરનારા ત્રણ આતંકીઓ ખુરામ બટ્ટ (૨૭), રાચીદ રેડોન (૩૦) અને યુસુફ ઝાગ્બા (૨૨) સ્ટરોઈડ્ઝ પર હોવાનું ઓલ્ડ બેલી કોર્ટમાં પ્રિ-ઈન્ક્વેસ્ટ હિયરીંગમાં જણાવાયું હતું. ગયા વર્ષે ૩જી જૂને હુમલાના થોડા સમય અગાઉ આ ત્રણેએ DHEA પદાર્થ લીધો હતો.
• નવી ડિસ્કાઉન્ટ ગ્રોસરી ચેઈનની ટેસ્કોની યોજના
એલ્ડી અને લીડલથી આગળ નીકળવા ટેસ્કો નવી ડિસ્કાઉન્ટ ગ્રોસરી ચેઈનની ગુપ્ત યોજના પર કામ કરી રહી હોવાનું ધ સન્ડે ટાઈમ્સ દ્વારા જાણવા મળ્યું હતું. બ્રિટનનું સૌથી મોટું સુપરમાર્કેટ ભાવની દ્રસ્ટિએ જર્મનીની આ બ્રાન્ડ સાથે સરખામણી માટે અલગ બ્રાન્ડ તૈયાર કરી રહ્યું હોવાનું મનાય છે. ટેસ્કો સ્ટોરની સરખામણીમાં આ સ્ટોરમાં મર્યાદિત પ્રમાણમાં પ્રોડક્ટ્સ રખાશે.
• છેતરપિંડીમાં શિક્ષકો વિદ્યાર્થીઓ જેટલાં જ ખરાબ
OCR એક્ઝામ બોર્ડ દ્વારા હજારો શિક્ષકો પરીક્ષાઓમાં છેતરપિંડી કરતા ઝડપાયા હતા. તેના આંકડા દર્શાવે છે કે આ બાબતે તેઓ વિદ્યાર્થીઓ જેટલા જ ખરાબ છે. ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન દ્વારા મેળવાયેલી માહિતી મુજબ ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે લગભગ શિક્ષકો દ્વારા ગેરરીતિના ૨,૩૦૦ કિસ્સા નોંધાયા હતા. જોકે, તેમની સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી. અડધાથી વધુ કિસ્સા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ‘અયોગ્ય સહાય’ને લગતા હતા.
• NHSની નવી વિવાદાસ્પદ સલાહ
NHSએ બીમાર બાળકોને GP પાસે અથવા A&E ડિપાર્ટમેન્ટમાં લઈ જવાને બદલે ફાર્માસિસ્ટ પાસે લઈ જવાની વિવાદાસ્પદ સલાહ પેરન્ટ્સને આપી હતી. હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાના બાળકોને નજીવી બીમારી માટે લોકલ કેમિસ્ટ પાસે લઈ જવાય તો લાખો પરિવારોને ઝડપી મદદ મળી રહેશે અને NHSના સંસાધનોની પણ બચત થશે. જોકે હેલ્થ સર્વિસીસ પરનું દબાણ હળવું કરવાના આ પ્રયાસમાં પેરન્ટ્સને બીમારીના ઘાતક લક્ષણોની જલદી ખબર નહીં પડે અને બાળકોનું જીવન જોખમાશે તેવો ભય મુખ્ય ચેરિટીઝે વ્યક્ત કર્યો હતો.
• યંગ લેબરના કાર્યક્રમમાં શ્વેત પુરુષો પર પ્રતિબંધ
પક્ષના એક કાર્યક્રમમાં શ્વેત પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી લેબર પાર્ટી ભેદભાવના નવા વિવાદમાં સપડાઈ હતી. લંડનમાં યોજાનારી યંગ લેબર્સ ઈક્વોલિટી કોન્ફરન્સમાં માત્ર મહિલા, વિકલાંગ, LGBT અથવા વંશીય લઘુમતીના લોકોને જ પ્રવેશની પરવાનગી હોવાનું જાણીને સાંસદો રોષે ભરાયા હતા. કાર્યક્રમમાં શ્વેત વિષમલિંગી (હિટરોસેક્સ્યુઅલ) લોકો પ્રવેશ માટે પાત્ર નથી. શ્વેત લોકો પાસેથી વધુ રકમ વસુલ કરવા બદલ અગાઉ લફબરોમાં યોજાયેલા આવો જ એક કાર્યક્રમ ટીકાને પાત્ર બન્યો હતો. જોકે, લેબર પાર્ટીના પ્રવક્તાએ આ કાર્યક્રમ ભેદભાવપૂર્ણ હોવાનો ઈનકાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે તેમાં કશું જ નવું નથી.


