લંડનઃ જેક ડેવિસન નામના ૨૩ વર્ષીય બંદૂકધારીએ ૧૨ ઓગસ્ટ ગુરુવારની મોડી સાંજે પ્લીમથની શેરીઓમાં આડેધડ ગોળીબારથી હાહાકાર મચાવી દીધો હતો. તેણે લાંબી નળીની બંદૂક દ્વારા ત્રણ વર્ષીય બાળા સોફી માર્ટિન અને તેના ૪૩ વર્ષીય પિતા લી માર્ટિન, સ્ટીફન વોશિંગ્ટન (૫૯) અને કેટ શેફર્ડ (૬૬) સહિત પાંચ વ્યક્તિની હત્યા કરી હતી. આ હત્યાઓ કર્યા પછી જેક ડેવિસને પોતાને જ ગોળી મારી દીધી હતી. પોલીસે અન્ય મૃતકની ઓળખ હત્યારાની ૫૧ વર્ષીય માતા ‘મેક્સિન ડેવિસન ઉર્ફ મેક્સિન ચેપમેન’ તરીકે કરી હતી. જેક તેની માતા સિવાય કોઈને ઓળખતો ન હતો. યુકેમાં લગભગ ૧૧ વર્ષ પછી સામૂહિક ગોળીબારની ઘટના નોંધાઈ છે.
ડેવોન સિટીના ૨૩ વર્ષના રહેવાસી અને ક્રેન ઓપરેટર જેક ડેવિસને પોતાને જ ગોળી મારી દેતા પહેલા પાંચ વ્યક્તિની હત્યા કરી હતી જેમાં તેની માતાનો પણ સમાવેશ થયો હતો. મૃતકોમાં બે પુરુષ, બે સ્ત્રી અને ત્રણ વર્ષની બાળા હતાં. જેકે પોતાના ઘરમાં જ ગોળીબાર શરૂ કર્યા હતા અને તે પછી શેરીમાં આવીને ગોળીબાર કર્યા હતા. સશસ્ત્ર પોલીસ-હેઝાર્ડસ એરિયા રિસ્પોન્સ યુનિટ, નેશનલ પોલીસ એર સર્વિસ અને ત્રણ એમ્બ્યુલન્સ તત્કાળ ઘટનાસ્થલે પહોંચી ગયા હતા.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા શનિવારે પ્લીમથની મુલાકાત લીધી હતી અને શૂટિંગની ઘટના પ્રત્યે આઘાત દર્શાવી પોલીસ તપાસને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. લંડનના મેયર સાદિક ખાન અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે મૃતકોના પરિવાર અને મિત્રો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી હતી. સ્થાનિક સાંસદોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
પોલીસે સામૂહિક ગોળીબારની આ ઘટનાને ત્રાસવાદી હુમલો ગણાવવાના બદલે ડોમેસ્ટિક હિંસાની ઘટના ગણવા નિર્ણય લીધો છે તેની પણ ભારે ટીકા કરાઈ છે. સૂત્રોના જણાવવા અનુસાર સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા અને અસ્વસ્થ માનસિક હાલતના હત્યાના મુખ્ય મોટિવ-હેતુની તપાસ પોલીસ દ્વારા કરી રહી છે. એમ કહેવાય છે કે ડેવોન અને કોર્નવોલ પોલીસે ડિસેમ્બરમાં રદ કરાયેલો ડેવિસનનો શસ્ત્ર પરવાનો ગયા મહિને જ પરત કર્યો હતો. ડેવિસને ગુસ્સા પર કન્ટ્રોલ મેળવવાનો કોર્સ કર્યા પછી લાઈસન્સ ફરી ચાલુ કરાયું હતું. ડેવિસન ૨૦૧૮થી બંદૂકનું લાયસન્સ ધરાવતો હતો પરંતુ, શસ્ત્ર રાખવાની યેગ્યતાના કારણસર પરવાનો રદ કરાયો હતો. ધ ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ દ્વારા જણાવાયું હતું કે ડેવિસન પાસે શસ્ત્ર અને તેના સર્ટિફિકેટ મુદ્દે ડેવોન અને કોર્નવોલના નિર્ણયની તપાસ કરાશે. પ્લીમથના એક રહેવાસીએ જણાવ્યા મુજબ જેકને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવાથી પરિવારે તેની સારવાર પણ કરાવી હતી.