લંડનઃ સ્કૂલ લીડર્સ યુનિયન NAHT દ્વારા ચેતવણી અપાઈ છે કે ભંડોળની કટોકટીના કારણે ઈંગ્લેન્ડના અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત નર્સરી સ્કૂલ્સ સહિત સેંકડો નર્સરી બંધ પડવાનું જોખમ છે. યુનિયને જણાવ્યું છે કે કરદાતાઓ દ્વારા બે વર્ષના નાણાકીય ટેકાનો અંત આવવા સાથે આવી સ્કૂલો આર્થિક રીતે ચલાવવી શક્ય નહિ રહે. વર્કિંગ ફેમિલીઝને મદદ કરવા ૩૦ કલાકની ફ્રી ચાઈલ્ડકેર ઓફર કરવાની સરકારની યોજનાનું પણ બાળમરણ થશે તેમ હેડ ટીચર્સે જણાવ્યું છે.
અર્લી એજ્યુકેશન ચેરિટી સાથે મળી નેશનલ એસોસિયેશન ઓફ હેડ ટીચર્સ-NAHT દ્વારા વિશ્લેષણમાં જણાવાયું છે કે, સૌથી વધુ નર્સરી સ્કૂલ્સ ધરાવતી લોકલ ઓથોરિટીઝને આવી સ્કૂલોના ભંડોળમાં નોંધપાત્ર ઘટાડો જોવાં મળશે. આનો અર્થ એ થશે કે બર્મિંગહામની ૨૭ નર્સરી સ્કૂલ્સ માટે ભંડોળ ૪૭ ટકા ઘટશે, જ્યારે લેન્કેશાયરની ૨૪ સ્કૂલ્સ, હર્ટફોર્ડશાયરની ૧૪ સ્કૂલ અને ડરહામની ૧૨ સ્કૂલ માટે ભંડોળમાં અનુક્રમે ૪૬ ટકા, ૨૮ ટકા અને ૩૮ ટકાનો ઘટાડો જોવાં મળશે.
NAHTના જનરલ સેક્રેટરી રસેલ હોબીએ જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં દરરોજ હજારો બાળકની સંભાળ રાખતી આશરે ૪૦૦ નર્સરી સ્કૂલ્સ છે, જેમાંથી ૬૫ ટકા તો ઈંગ્લેન્ડના સૌથી અંતરિયાળ એવા ૩૦ વિસ્તારોમાં આવેલી છે. પ્રી-સ્કૂલ લર્નિંગ એલાયન્સ દ્વારા ચાઈલ્ડકેર પ્રોવાઈડર્સના ઓનલાઈન પોલમાં જાણવા મળ્યું છે કે ૩૦ કલાકની મફત બાળસંભાળના કારણે અડધોઅડધ પ્રોવાઈડર્સને સ્કૂલ બંધ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત, ૪૮ ટકા પ્રોવાઈડર્સે જણાવ્યું હતું કે તેઓ અન્ય વયજૂથના બાળકોને જે બેઠકો ઓફર કરે છે તે ઘટાડવાની ફરજ પડશે.


