લંડનઃ કેન્સરની સારવારનો સમય 75 ટકા સુધી ઘટાડવામાં સક્ષમ એવી કેન્સરની વેક્સિન એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દવા આપવામાં ફક્ત 7 મિનિટનો સમય લાગે છે. એનએચએસએ જણાવ્યું હતું કે, 7 મિનિટમાં આપી શકાય તેવી કેન્સરની વેક્સિન શરૂ કરનાર એનએચએસ વિશ્વની સૌપ્રથમ હેલ્થ સિસ્ટમ છે. હવે દર વર્ષે કેન્સરના સેંકડો દર્દીઓને એનએચએસ દ્વારા આ વેક્સિન અપાશે.
એનએચએસએ જણાવ્યું હતું કે, મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી દ્વારા આ વેક્સિનને મંજૂરી આપી દેવાઇ છે. અત્યારે કેન્સરના દર્દીઓને લાઇફ એક્સટેન્ડિંગ ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે. હોસ્પિટલમાં અપાતી આ થેરાપીમાં દવા સીધી શરીરની નસમાં દાખલ કરાય છે જેમાં ઓછામાં ઓછી 30 મિનિટથી એક કલાક લાગી શકે છે.
નવી અમલી બનાવાયેલી કેન્સરની રસી ચામડીની નીચે ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આ રસી લેવી સરળ પણ રહેશે. ફક્ત 7 મિનિટમાં રસી અપાઇ જતી હોવાથી એનએચએસની કેન્સર ટીમોનો મહામૂલો સમય બચી જશે. એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સલાહકાર ઓન્કોલોજિસ્ટ ડૉ. એલેક્ઝાન્ડર માર્ટિને કહ્યું કે આ મંજૂરીથી દર્દીઓને સુવિધાજનક અને ઝડપી સંભાળની અનુમતિ જ નહીં, અમારી ટીમને પણ વધુ ને વધુ દર્દીઓની સારવાર માટે સક્ષમ બનાવશે.


