ફરજિયાત કોવિડ વેક્સિન મુદ્દે હેલ્થકેર વર્કર્સનો પ્રચંડ વિરોધ

Wednesday 26th January 2022 04:29 EST
 
 

લંડનઃ NHS વર્કર્સ માટે ૧ એપ્રિલ સુધીમાં ફરજિયાત કોવિડ વેક્સિન લેવાના મુદ્દે ટોરી પાર્ટીમાં બળવા અને રોયલ કોલેજ ઓફ જીપી દ્વારા સ્ટાફની ગંભીર અછતની ચેતવણીના પગલે બોરિસ જ્હોન્સન સરકાર પીછેહઠ કરે તેવા સંકેત મળે છે. આ નિયમ વધુ છ મહિના લંબાવવા વિચારણા શરૂ કરાઈ છે. બીજી તરફ, શનિવાર ૨૨ જાન્યુઆરીએ હેલ્થકેર વર્કર્સે વિરોધકૂચ દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટની બહાર તેમના સ્ક્રબ્સનો ઢગલો કરી દીધો હતો.

NHS વર્કર્સ અને વેક્સિનવિરોધી જૂથોએ સાથે મળીને સમગ્ર દેશમાં ફરજિયાત વેક્સિન મુદ્દે દેખાવો કર્યા હતા. યુકેમાં વેક્સિનેશનના કારણે કોવિડ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે પરંતુ, વેક્સિનવિરોધીઓ તેને પ્રયોગાત્મક ડ્રગ તરીકે ઓળખાવી વિરોધ કરી રહ્યા છે. NHS સ્ટાફ ૧ એપ્રિલ સુધીમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ ન થાય તો ૮૦,૦૦૦થી વધુ કર્મચારીની હકાલપટ્ટીની શક્યતા છે. મેડિકલ સ્ટાફે ત્રણ ફેબ્રુઆરી સુધીમાં વેક્સિનેશન સ્ટેટસ પુરવાર કરવપાનું રહેશે અને તેના અભાવે ચોથી ફેબ્રુઆરીથી બરતરફીની નોટિસ મોકલવાની શરૂઆત કરાશે.દરમિયાન, રોયલ કોલેજ ઓફ જીપીસ દ્વારા સરકારને હેલ્થ સર્વિસમાં સ્ટાફની સામૂહિક અછત નિવારવા વેક્સિનેશનની મર્યાદા લંબાવવા આખરી તારીખ લંબાવવા અનુરોધ કર્યો હતો.

કારકિર્દી સામે જોખમ અને બૂસ્ટર અભિયાનો છતાં, NHSના ૮૦,૦૦૦થી વધુ કર્મચારી- કુલ વર્કફોર્સના ૬ ટકા સ્ટાફે વેક્સિન લીધી નથી. સમગ્ર દેશમાં વેક્સિનવિરોધી જૂથોએ તેમને સાથ આપી શનિવાર ૨૨ જાન્યુઆરીએ ‘ફ્રીડમ રેલી’ તરીકે વિરોધ દેખાવો યોજ્યા હતા. ફરજિયાત વેક્સિનેશન નિયમોનો વિરોધ કરવા સેંકડો લોકોએ લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, લીડ્ઝ અને ન્યૂકેસલ સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. લંડનમાં ઘણા વર્કર્સે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર પોલીસ અધિકારીઓ પર સ્ક્રબ્સ ફેંક્યા હતા તેમજ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં તેમના યુનિફોર્મ્સ- સ્ક્રબ્સનો ઢગલો કરી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter