લંડનઃ કોરોના વાઈરસના કેસીસમાં થયેલા વધારા પછી લોકલ લોકડાઉનને લીધે ઈંગ્લેન્ડમાં ફરજિયાતપણે બંધ કરાયેલા મોટા બિઝનેસ દર ત્રણ અઠવાડિયે ટ્રેઝરી પાસેથી £૧,૫૦૦ જ્યારે, નાના બિઝનેસ £૧,૦૦૦નું સર્વાઈવલ પેમેન્ટ ક્લેઈમ કરી શકશે. મિનિસ્ટરોએ કરેલી જાહેરાતમાં વધુમાં જણાવ્યું હતું કે તેઓ પ્રોપર્ટી દીઠ દર ત્રણ અઠવાડિયે ગ્રાન્ટની આ રકમ ક્લેઈમ કરી શકશે. જોકે, રાષ્ટ્રીય લોકડાઉન નિયમોને કારણે નાઈટ ક્લબ જેવા જે બિઝનેસ હજુ પણ બંધ છે તે આ નાણાં મેળવવા લાયક ગણાશે નહિ. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે આ સ્કીમને આવકારી હતી. પરંતુ, આ રકમ ઘણી કંપનીઓ માટે પૂરતી નહિ થાય તેવી ચેતવણી આપી હતી.
નવી સ્કીમ જાહેર કરતા ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી સ્ટીફન બાર્કલેએ જણાવ્યું હતું કે આ નવી યોજના સંઘર્ષ કરી રહેલી કંપનીઓને સુરક્ષા કવચ પૂરું પાડશે અને અસ્તિત્વ ટકાવવામાં મદદરૂપ થશે. સ્થાનિક અર્થતંત્ર ધીમે ધીમે સાવચેતીપૂર્વક ફરી ખુલી રહ્યું છે ત્યારે બિઝનેસીસ જાતે ઉભા થાય, નોકરીઓનું રક્ષણ થાય અને ભવિષ્યમાં સુધારો થાય તેવી અમારી યોજના છે.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું કે કોઈ પણ બિઝનેસને સાચું કરવા બદલ સજા થવી ન જોઈએ. આથી જ, વાઈરસને કાબૂમાં લેવા માટે હંગામી ધોરણે જેમને બિઝનેસ બંધ કરવો પડ્યો હતો તેમને આ પેકેજ થોડી રાહત આપશે. તેમણે ઉમેર્યું કે જોબ્સ માટેની વિસ્તૃત યોજના હેઠળ દેશભરમાં ઈનોવેટર્સ અને રોજગારી ઉભી કરનારને અમારી સહાય ચાલુ રહેશે કારણકે મહામારીમાંથી ફરી બહાર આવવામાં તેઓ મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે.
બોલ્ટન કડક નિયંત્રણોના પાલનનું છેલ્લું સ્થળ બન્યું તે પછી લોકડાઉન હેઠળના સ્થાનિક વિસ્તારોમાં બિઝનેસીસ માટે મદદની આ નવી જાહેરાત કરાઈ હતી.