લંડનઃ યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી અલગ થવા બ્રિટનવાસીઓએ કરેલા બ્રેક્ઝિટ મતદાન બાદ અહીં ફરી મતદાન માટે ચાલી રહેલી ઓનલાઈન ઝુંબેશ પર સરકારે શનિવારે પૂર્ણવિરામ મુકી દીધું છે. ઈયુ રેફરન્ડમ માટે ફરી મતદાન કરાવવા ૪૧ લાખ લોકોની સહી સાથે કરાયેલી ઓનલાઈન પિટિશન સરકારે ફગાવી દેતા સ્પષ્ટ કહી દીધું હતું કે રેફરેન્ડમ પર ફરી મતદાન નહિ થાય. સરકારે કહ્યું હતું કે લોકોએ અગાઉ આપેલા નિર્ણયનો આદર કરવો જ જોઈએ.
અરજીમાં ટાંકવામાં આવ્યું હતું કે, ‘રિમેઇન’ અથવા ‘લીવ’ બન્નેમાંથી કોઈ પણ પક્ષમાં ૬૦ ટકા મત નથી પડ્યા અને કુલ મતદારોમાંથી ૭૦ ટકાએ મત નથી આપ્યા. આથી, ૨૩ જૂને થયેલા રેફરન્ડમના પરિણામો રદ કરી ફરી મતદાન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઈયુ છોડવાની તરફેણમાં બાવન ટકા અને ઈયુમાં રહેવાની તરફેણમાં ૪૮ ટકા નાગરિકોએ મત આપ્યો હતો.
બ્રિટિશ સંસદની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલી ઓનલાઈન અરજીમાં એક લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા હોય તો સંસદમાં તેના પર ચર્ચા કરવી જરૂરી થઈ જાય છે. આ ઓનલાઈન અરજીમાં ૪૧ લાખ લોકોએ સહી કરી હતી. આથી, સરકારે જવાબ આપવો પડ્યો હતો.

