ફર્લો પોલિસીઃ પાંચમાંથી એક કંપની દ્વારા નોકરીમાં કાપ મૂકવાની યોજના

Wednesday 04th August 2021 05:03 EDT
 

લંડનઃ ઓગસ્ટ મહિનાથી સરકારની ફર્લો પોલિસીમાં કરાયેલા ફેરફારના પગલે પાંચમાંથી એક કંપની નોકરીમાં કાપ મૂકવા વિચારી રહી હોવાનું બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ (BCC)ના સર્વેમાં બહાર આવ્યું છે. ફેરફાર મુજબ સરકાર કર્મચારીના વેતનમાં પોતાનો હિસ્સો ઘટાડશે અને એમ્પ્લોયર્સે હવે વધુ યોગદાન આપવું પડશે.

બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૨૫૦ બિઝનેસીસનો સર્વે કરાયો હતો જેમાં ૧૮ ટકાએ ફર્લો નીતિમાં ફેરફારના પરિણામે તેઓ સ્ટાફની છટણી કરી શકે તેમ જણાવ્યું હતું. આશરે ૨૫ ટકાએ કામકાજના કલાકો ઘટાડવા અથવા સ્ટાફને પાર્ટ-ટાઈમ વર્કિંગ પેટર્નમાં મૂકી શકાય તેમ પ્રતિભાવ આપ્યો હતો. BCCએ જણાવ્યું હતું કે હજારો વર્કર્સની છટણી થવાની આગાહી કરાઈ છે ત્યારે વધારાની તાલીમ આપવાની જરૂર પડશે.

રવિવાર ૧લી ઓગસ્ટથી ફર્લો સ્કીમ હેઠળ વર્કર્સના વેતનમાં સરકાર અને એમ્પ્લોયર્સનો હિસ્સો અનુક્રમે ૬૦ ટકા અને ૨૦ ટકાનો રહેશે. જુલાઈમાં આ હિસ્સો અનુક્રમે ૭૦ ટકા અને ૧૦ ટકાનો હતો. એપ્રિલ ૨૦૨૦માં જોબ રિટેન્શન સ્કીમ (ફર્લો) શરૂ કરાયા પછી ૩૦ જૂન ૨૦૨૧ સુધીમાં ૧૧.૬ મિલિયન નોકરીઓને સપોર્ટ કરાયો છે.

આ યોજના ૩૦ સપ્ટેમ્બરથી સમાપ્ત થઈ રહી છે. હજારો વર્કર્સ લેબર માર્કેટમાં આવશે ત્યારે મહામારીની અસરમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરી રહેલા એમ્પ્લોયર્સને છટણીઓ કરવાની અને વર્કિંગ અવર્સમાં કાપ મૂકવાની ફરજ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter