ફર્લો સ્કીમ અને બિઝનેસ રેટ્સની રાહતો ઉનાળા સુધી લંબાવાની આશા

Wednesday 24th February 2021 05:00 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચે રજૂ થનારા બજેટમાં ફર્લો સ્કીમ અને બિઝનેસ રેટ્સની રાહતો ઉનાળા સુધી લંબાવે તેવી આશા છે. સરકારના કોરોના વાઈરસ સપોર્ટ પ્રોગ્રામ્સ એપ્રિલમાં સમાપ્ત થવાના છે પરંતુ, ચાન્સેલર આ સમયમર્યાદા લંબાવશે તેમ ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ જણાવે છે. ફર્લો તરીકે ઓળખાતી કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ કામના સ્થળને બંધ કરવાની ફરજ પડી હોય અથવા આઈસોલેટ થવાના કારણે કામ નહિ કરી શકતા એમ્પ્લોઈને નાણાકીય સપોર્ટ કરે છે.

ફર્લો યોજના હેઠળ સરકાર ૩૦ એપ્રિલ સુધી કર્મચારીને વેતનના ૮૦ ટકા અથવા મહત્તમ ૮૦ ટકા વેતનની ચૂકવણી કરશે. જોકે, હવે યોજના ઓટમ પછી તબક્કાબાર બંધ કરાવાની ધારણા છે. કેટલાક જોબ સપોર્ટ તો યોજના બંધ કરાયા પછી પણ ચાલુ રખાશે. બિઝનેસીસ ક્યારે ગ્રાહકોને ફરી આવકારી શકશે તેના વિશે અચોક્કસતા ધરાવતા એમ્પ્લોયર્સ અને સ્ટાફ હવે રાહત અનુભવશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડ મેપ જાહેર કરે ત્યારે શોપ્સ, રેસ્ટોરાં, પબ્સ અને હેરડ્રેસર્સ પણ તેઓ ક્યારથી ખુલી શકશે તેના પર પ્રકાશ ફેંકાવાની આશા રાખે છે. લોકડાઉન નિયંત્રણોના લીધે ખોલી શકાતા ન હોય અથવા બે છેડાં ભેગાં કરવા સંઘર્ષ કરતા બિઝનેસીસ, ખાસ કરીને હોસ્પિટાલિટી અને લેઈઝર ઈન્ડસ્ટ્રી અને રીટેઈલર્સને મદદ કરવા એક વર્ષની બિઝનેસ રેટ્સ રાહતો જાહેર કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડસ્ટ્રીના બોસીસે ચેતવણી આપી હતી કે બિઝનેસ રેટ્સ રાહતો નહિ લંબાવાય તો હજારો પબ્સ હંમેશ માટે બંધ પડી જશે.

યોજના મુજબ માર્ચના તે સ્કીમ બંધ કરવાના બદલે ચાન્સેલર બિઝનેસ રેટ્સની સમીક્ષાના ભાગરુપે ઓટમમાં ઓનલાઈન સેલ્સ ટેક્સ લાદવા વિચારી રહ્યા છે. આ ટેક્સથી શરુઆતમાં ૨ બિલિયન પાઉન્ડની આવક થશે જે દેશની નાણાકીય ખાઈ પૂરવામાં અને સ્ટોર્સને ખોલવાની પરવાનગી અપાશે ત્યારે ગ્રાહકોને હાઈ સ્ટ્રીટ તરફ પાછાં વળવામાં મદદ કરશે. જોકે, એવી ટીકા પણ થઈ રહી છે કે આશરે ૨ ટકાનો ટેક્સ ઓનલાઈન ખરીદારો માટે ચીજવસ્તુઓની કિંમત વધારી દેશે. રિવ્યૂ હવે ઓટમ સુધી પાછો ધકેલી દેવાશે. આ વર્ષે ચાર વખત તેને મુલતવી રખાયો હોવાનું જણાશે. અહેવાલો અનુસાર સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો યુનિવર્સિલ ક્રેડિટમાં વધારો વધુ છ મહિના લંબાવાશે તેવી ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter