ફર્લો સ્કીમ એપ્રિલ સુધી લંબાવાઈઃ ૩ માર્ચે સ્પ્રિંગ બજેટ રજૂ કરાશે

Wednesday 30th December 2020 02:01 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે વર્તમાન ફર્લો સ્કીમને એપ્રિલ ૨૦૨૧ના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, દેશનું બજેટ ૩ માર્ચે રજૂ કરાશે તેમ પણ સુનાકે જણાવ્યું છે. ચાન્સેલરે સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાઈરસ મહામારીથી મુશ્કેલીમાં આવેલા એમ્પ્લોઈઝ અને બિઝનેસીસ માટેના સપોર્ટ પેકેજીસ ૨૦૨૧-૨૨ નાણાકીય વર્ષમાં પણ અમલી રહેશે. કોરોના મહામારીમાં સરકારના ૨૮૦ બિલિયન પાઉન્ડના પેકેજીસમાં ફર્લો સ્કીમ મુખ્ય છે.

ચાન્સેલર સુનાકે જણાવ્યું છે કે આ યોજનાઓ લંબાવાથી બિઝનેસીસને આગળના સમય માટે યોજના ઘડવા વધુ સમય મળી રહેશે. કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ અથવા ફર્લો સ્કીમ તેમજ સેલ્ફ એમ્પ્લોઈડ સપોર્ટ સ્કીમ હવે એપ્રિલ ૨૦૨૧ના અંત સુધી અમલમાં રહેશે. બિઝનેસીસ પણ જાન્યુઆરી મહિનાના અંતે બંધ થનારી બાઉન્સ બેક લોન સ્કીમ, કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ, અને કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમનો લાભ માર્ચ ૨૦૨૧ના અંત સુધી મેળવી શકશે.

સુનાકે જણાવ્યું હતું કે બજેટ ૩ માર્ચે રજૂ કરવામાં આવશે અને વાઈરસના સામના અને નોકરીઓના રક્ષણની સરકારની રણનીતિના આગામી તબક્કા વિશે જાહેરાતો કરવામાં આવશે. ટ્રેઝરીએ જણાવ્યું હતું કે તે બિઝનેસીસ અને કર્મચારીઓને નિશ્ચિંતતા આપવા વર્કર્સના વેતનના ૮૦ ટકા ચૂકવવાનું ચાલુ રાખશે. ચાન્સેલરે જાન્યુઆરીમાં ફર્લો સ્કીમની સમીક્ષા કરવાની યોજના ઘડી હતી પરંતુ, હવે સમીક્ષા પડતી મૂકવામાં આવી છે.

યુકેના વર્કફોર્સના ૧૫.૫ ટકા અથવા આશરે ૫ મિલિયન લોકોએ નવેમ્બરના અંત સુધીમાં વેતન સબસિડીઓ મેળવી હતી. મૂળ ૩૧ ઓક્ટોબરે બંધ થનારી ફર્લો સ્કીમમાં તે સમયે ૨.૪ મિલિયન નોકરીઓ ફર્લો પર મૂકાઈ હતી જે મે મહિનાના પ્રથમ લોકડાઉન વખતે ૮.૯ મિલિયનના શિખર પર હતી. બ્રિટનના અર્થતંત્રમાં ભારે મંદી પ્રવર્તે છે અને આ નાણાકીય વર્ષમાં ખર્ચ અને ટેક્સની આવક વચ્ચેનો તફાવત ૩૯૪ મિલિયન પાઉન્ડે પહોંચી જવાની શક્યતા છે જે, ૨૦૦૮ની નાણા કટોકટી સમયે કરજ લેવાયેલી રકમના બમણા કરતાં પણ વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter