લંડનઃ ઓક્ટોબર મહિનાના આરંભે બંધ કરાયેલી જોબ રિટેન્શન-ફર્લો સ્કીમની સૌથી ખરાબ અસર લંડનવાસીઓ અને વયોવૃદ્ધ વર્કર્સને લાંબા ગાળાની નોકરી ગુમાવવા બાબતે થશે. અર્થશાસ્ત્રીઓએ બેરોજગારીમાં થોડા વધારાની આગાહી કરી છે કારણકે નોકરી છૂટી ગઈ હોય તેવા વર્કર્સ અછતવાળા ક્ષેત્રોમાં વેકેન્સીઓ ભરી શકે તેવી શક્યતા ઓછી છે.
જોબ રિટેન્શન સ્કીમે કોરોના મહામારી કટોકટીના શિખરે ૯ મિલિયન વર્કર્સને લગભગ ૭૦ બિલિયન પાઉન્ડના ખર્ચ સાથે સપોર્ટ કર્યો હતો. આના પરિણામે, સત્તાવાર ગણતરી મુજબ બેરોજગારીનો આંકડો માત્ર ૪.૬ ટકાએ રહ્યો હતો. જોકે, જુલાઈ મહિનાના અંતે ૧.૬ મિલિયન લોકો અંશતઃ અથવા સંપૂર્ણપણે ફર્લો હેઠળ હતા. સર્વેના આંકડાઓ કહે છે તેમ સ્કીમ બંધ થઈ છે ત્યારે એક મિલિયન લોકો તેના પર આધારિત હોવાની શક્યતા હતી.
ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝે ચેતવણી આપી છે કે લંડનમાં ઓફિસ વર્કર્સ કામે ચડવાની ગતિ ધીમી હોવાથી લંડનવાસીઓ માટે લાંબા ગાળાની બેરોજગારીનું જોખમ સૌથી વધુ છે. વૃદ્ધ વર્કર્સને ખરાબ અસર થશે કારણકે ૫૦થી વધુ વયના લોકોએ મહામારીમાં નોકરી ગુમાવી હોય તેમનો માત્ર ત્રીજો હિસ્સો છ મહિનામાં નવી નોકરી મેળવી શક્યો હતો.