ફર્લો સ્કીમ બંધ થવા સાથે દેશમાં વધુ ૧૫૦,૦૦૦ લોકો નોકરી ગુમાવશે

Wednesday 04th August 2021 05:16 EDT
 

લંડનઃ અગ્રણી થિન્ક ટેન્ક ધ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (Niesr) દ્વારા જણાવાયું છે કે યુકે સરકારની ફર્લો સ્કીમ બંધ થવા સાથે દેશમાં નોકરી ગુમાવવાની સંખ્યા ૧૫૦,૦૦૦ જેટલી વધી જશે. સંસ્થાએ ૨૦૨૧ માટે વૃદ્ધિની આગાહી ૫.૭ ટકાથી વધારી ૬.૮ ટકા કરવા સાથે જણાવ્યું છે કે જી-૭ની વૃદ્ધિયાદીમાં યુકે ઉપર જશે પરંતુ, ફર્લો સ્કીમ બંધ થવા સાથે નોકરીઓ ગુમાવવાનો દર ૪.૮ ટકાથી વધી ૫.૪ ટકાએ પહોંચી જશે.

ચાન્સેલર રિશિ સુનાકે સોમવારે લિન્ક્ડઈન પરના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભરતીના મજબૂત ઈરાદાઓથી હજુ ફર્લો પર રહેલા લોકોની વિશાળ બહુમતીને કામ મળશે તેનો તેમને વિશ્વાસ છે. Niesrના ડેપ્યુટી ડાયરેક્ટર હાન્ડે ક્યુસુકના જણાવ્યા અનુસાર વપરાશમાં રિકવરી મધ્યે માગના પરિબળો અને અર્થતંત્ર ફરી ખુલવાની અસરોથી ઈન્ફ્લેશન બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ૨ ટકાના લક્ષ્યથી વધી જશે.

દરમિયાન, IHS Markit/Cipsના માસિક સર્વે મુજબ લેબર અને સામગ્રીની અછત લોકડાઉન પછી માગમાં વધારાનો લાભ લેવામાં બ્રિટિશ ફેક્ટરીઓને ક્ષમતાને અસર કરી રહ્યા છે. સપ્લાય ચેઈન્સ તેમજ સ્ટાપ ભરતીની સમસ્યા ના હોત તો ગત ચાર મહિનામાં પરફોર્મન્સ વધુ મજબૂત રહ્યું હોત. આમ છતાં, જુલાઈ મહિનામાં દેખાવ સારો જ રહ્યો છે. આ મહિનામાં ખર્ચ અને પ્રાઈસના દબાણો વધ્યાં હતાં.

IHS Markit/Cipsના ડાયરેક્ટર રોબ ડોબ્સને જણાવ્યું હતું કે,‘ યુકેના ઉત્પાદકોએ જુલાઈ મહિનામાં નક્કર વૃદ્ધિ દર્શાવી હોવાં છતાં, ઈનપૂટ્સ, ટ્રાન્સપોર્ટ અને મજૂરોની તંગી ઘણા બિઝનેસીસને દબાવી રહી છે. એક તરફ, અર્થતંત્ર ફરી ખુલવાથી ઉત્પાદકોને લાભ મળી રહ્યો છે. ડોમેસ્ટિક તથા યુએસ, ઈયુ, ચીન અને મિડલ ઈસ્ટ સહિત દરિયાપારના બજારોમાંથી નવા કામ મળી રહ્યા છે. બીજી તરફ, વૈશ્વિક ઉત્પાદન વૃદ્ધિમાં ઉછાળા થકી સપ્લાય ચેઈન્સમાં વિલંબનો વિક્રમી મહિનો જોવા મળ્યો છે. કેટલીક ફર્મ્સ માને છે કે બ્રેક્ઝિટ પછીના મુદ્દાઓ વેચાણ વધારવાના પ્રયાસો અને ઈયુ સાથે સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ્સ ચલાવવામાં હજુ અવરોધરુપ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter