લંડનઃ ક્રોસ પાર્ટી ગ્રૂપના સાંસદોએ અર્થતંત્રના સંઘર્ષ કરી રહેલા ક્ષેત્રોને લક્ષિત સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવા જણાવ્યા પછી ઓક્ટોબર મહિનાના અંતે ફર્લો સ્કીમ બંધ કરવાના નિર્ણય પર ફેરવિચારણા કરવા સરકાર અને ચાન્સેલર સુનાક પર દબાણ વધી રહ્યું છે. નવા અહેવાલ મુજબ ટ્રેઝરી સિલેક્ટ કમિટીએ ચેતવણી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગની અસરને લીધે કંપનીઓની આર્થિક સ્થિતિ ખૂબ કથળી જશે. તેમણે વધુ આર્થિક સહાય પૂરી પાડવા મિનિસ્ટર્સને અપીલ કરી હતી.
કર્મચારીઓની સહાય માટેની ફર્લો સ્કીમ દ્વારા અત્યાર સુધીમાં ૩૫.૪ બિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા. આ સ્કીમનો ૩૧મી ઓક્ટોબરે અંત આવશે. વડા પ્રધાન બોરિસ જહોન્સને આ સ્કીમને લંબાવવા માટે કરાયેલા અનુરોધને એમ કહીને વારંવાર નકારી કાઢ્યા છે કે આ સ્કીમથી કર્મચારીઓ નિષ્ક્રિય થઈ ગયા છે. તેના બદલે ચાન્સેલર રિશિ સુનાકે ફર્લો પર ગયેલા અને હજુ પે રોલ પર હોય તેવા દરેક કર્મચારી દીઠ ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ જાન્યુઆરીના અંતે આપવાની કંપનીઓને ઓફર કરી છે.
કોમન્સ કમિટીના ચેરમેન અને કન્ઝર્વેટિવ સાંસદ મેલ સ્ટ્રાઈડે જણાવ્યું હતું કે મિનિસ્ટરોએ લક્ષિત એક્સ્ટેન્શનની કાળજીપૂર્વક વિચારણા કરવી જોઈએ. સ્ટ્રાઈડે ઉમેર્યું કે સરકાર તેમની ભલામણોનો અમલ કરતી ન હોવાથી કમિટી નિરાશ છે. કમિટીના બીજા રિપોર્ટમાં લોકડાઉનના પગલાં હળવાં થઈ રહ્યાં છે ત્યારે ઉભરી રહેલા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પહેલો પડકાર તો જે બિઝનેસ અને વ્યક્તિઓને જરૂર છે તેમને લક્ષ્યમાં રાખીને અસરકારક રીતે સહાય પૂરી પાડવાનો છે. ચાન્સેલરે નિર્ધારિત સમય માટે આ સ્કીમ લંબાવવા વિચારણા કરવી જોઈએ અને પોતાના તારણો વિશે સ્પષ્ટતા કરવી જોઈએ.
સાંસદોની ભલામણ શું છે?
કોવિડ-૧૯ની અર્થતંત્ર પર અસર વિશેના વિસ્તૃત અહેવાલમાં સાંસદોએ રિશિ સુનાકે શું કરવું જોઈએ તેના વિશે જણાવ્યું હતું. નાની કંપનીઓ નિમણૂક અને વિકાસને અસર થયા વિના મહામારી દરમિયાન લીધેલી લોનની ચૂકવણી કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ત્રણ મહિનામાં આયોજન કરવા ગ્રૂપ દ્વારા સરકારને અનુરોધ કરાયો હતો.
• યુનિવર્સલ ક્રેડિટ માટે વધુ હળવી શરતો લંબાવવી જોઈએ • દેવામાં રહેલી અથવા મંદી લંબાવાનું જોખમ અનુભવતી નાની અને મધ્યમ કદની કંપનીઓને મદદ કરવાની યોજના • મહામારીને લીધે પબ્લિક ફાઈનાન્સમાં પડેલાં ગાબડાં પૂરવા માટે ઉતાવળે ટેક્સ વધારવાથી દૂર રહીને ઓટમ બજેટમાં રોડમેપ તૈયાર કરવો • પેન્શન્સ પરનું ટ્રીપલ લોક હંગામી ધોરણે પડતું મૂકવું જોઈએ • લેવલીંગ અપનો અર્થ સરકાર શું કરે છે તે સમજાવવું જોઈએ