લંડનઃ કોરોના મહામારી સંદર્ભે જાહેર કરાયેલી ફર્લો સ્કીમ વેતનના ૮૦ ટકા સાથે ઓક્ટોબર મહિના સુધી ચાલુ રખાશે. ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કર્યું છે કે વર્કર્સ પાર્ટ-ટાઈમ કામ કરી શકશે જેનો ખર્ચ બિઝનેસીસે ઉઠાવવાનો રહેશે. અગાઉ આ યોજના ઓછી ટકાવારી સાથે જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે તેવા અહેવાલો હતા.
અર્થતંત્ર પર બોજો વધવાના ભય છતાં ચાન્સેલર સુનાકે જંગી કોરોના વાઈરસ બેઈલઆઉટ પેકેજને આગળ લંબાવ્યું હતું. મલ્ટિ બિલિયન પાઉન્ડની આ સબસિડી આગામી મહિને બંધ થવાની હતી પરંતુ, હવે તે વધુ ચાર મહિના ચાલુ રહેશે. સરકાર માસિક ૨,૫૦૦ પાઉન્ડની મર્યાદા સાથે વેતનના ૮૦ ટકાની સબસિડી આપશે. આ યોજના પાછળ માસિક ૧૪ બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે. સુનાકે કોમન્સને જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાથી વર્કર્સ પાર્ટ-ટાઈમ કામ કરવા જઈ શકશે. જોકે, પેઢીઓ બંધ હોય અને સ્ટાફનો ઉપયોગ કરી શકે તેમ ન હોય તેમ છતાં, તેમના વેતનનો હિસ્સો ફર્મ્સે ભોગવવાનો થશે. આનાથી વિવાદ સર્જાઈ શકે છે.
ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બોજો કેવી રીતે વિભાજિત કરાશે તેને નિર્ણય લેવાયો નથી પરંતુ, સરકાર ૫૦ ટકાથી વધુ હિસ્સો ભોગવશે તેમ મનાય છે. બીજી તરફ, સ્વરોજગારીઓ માટે સપોર્ટ ચાલુ રખાશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. એવી અટકળો ચાલે છે કે અત્યારે ૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ પ્રોફિટ કરનારી ફર્મ્સને મદદથી બાકાત રખાઈ છે તેના બદલે ૩૦,૦૦૦ પાઉન્ડથી વધુ પ્રોફિટ ધરાવનારને બાકાત રાખવામાં આવશે.
પોતાના ૪૦મા જન્મદિને આ પગલું જાહેર કરતા સુનાકે કહ્યું છે કે જોબ રિટેન્શન સ્કીમથી ૭.૫ મિલિયન વર્કર્સને રક્ષણ મળ્યું છે અને લગભગ મિલિયન બિઝનેસીસને બચાવી લેવાયા છે. તેમણે કહ્યું હતું કે લોકોને વેતનખર્ચ ચુકવવામાં સરકારને હિસ્સો આપવા એમ્પ્લોયર્સને જણાવાશે અને સંપૂર્ણ વિગતો મે મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવાશે.


