ફર્લો સ્કીમ હવે નહિ લંબાવાયઃ રિશિ સુનાક

Wednesday 16th June 2021 06:13 EDT
 
 

લંડનઃચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસીસની વિનંતીઓ ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે ફર્લો સ્કીમ હવે લંબાવાશે નહિ. ૨૧ જૂનના આઝાદી દિનને લંબાવાશે તો પણ આ સહાય યોજના ૧ જુલાઈથી તબક્કાવાર પાછી ખેંચાશે અને સપ્ટેમ્બર મહિનાના તે સમાપ્ત કરાશે. સુનાક બિઝનેસ રેટ હોલીડેને પણ લંબાવવા રાજી નથી જેને જૂન મહિનાના અંતે પાછી ખેંચાવાની શરુઆત કરાશે..

લોકડાઉનના નિયંત્રણો હળવા કરવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે તેટલા સમય માટે ફર્લો સ્કીમ લંબાવવા બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના બિઝનેસ ગ્રૂપ્સની વિનંતીઓને ચાન્સેલર સુનાકે નકારી કાઢી છે. હોસ્પિટાલિટી સેક્ટરના વડાઓએ કહ્યું છે કે આશરે ૨૦૦,૦૦૦ નોકરીઓ પર જોખમ છે.

વેતન સહાય માટેનું અતિ ખર્ચાળ ભંડોળ તબક્કાવાર પાછું ખેંચવાની શરુઆત જુલાઈ મહિનાથી કરાશે. બજેટ વેળાએ જ ચાન્સેલરે જાહેર કર્યું હતું કે કામ નહિ કરનારાઓ માટે ૮૦ ટકાનું વેતન આપવાનું બંધ કરી દેવાશે. સપ્ટેમ્બર મહિનાના અંતે વેતનસહાય યોજનાનો તબક્કાવાર અંત લાવવાના ભાગરુપે પહેલી જુલાઈથી સરકારનો ફાળો ઘટીને ૭૦ ટકા થશે અને એમ્પ્લોયર્સ ૧૦ ટકાનો ફાળો આપશે.

સુનાક જૂન મહિનાના અંતે પાછી ખેંચાવાની શરુઆત કરાશે તે બિઝનેસ રેટ હોલીડેને પણ લંબાવવા રાજી નથી. ગત માર્ચ મહિનામાં સૌપ્રથમ લોકડાઉન્સ લાગુ કરાયા તે પછી રિટેઈલ, હોસ્પિટાલિટી અને લેઈઝર પ્રિમાઈસીસને ૧૦૦ ટકાની મદદ કરવામાં આવી હતી. સરકાર હવે પહેલી જુલાઈથી આ સહાય ૬૬ ટકાની કરશે અને તે આગામી વર્ષના માર્ચ સુધી અમલમાં રહેશે. વેપારસંસ્થા UKHospitalityએ ઓક્ટોબરના આરંભ સુધી સંપૂર્ણ સહાય યથાવત રાખવા સુનાકને અનુરોધ કર્યો છે.

તાજા આંકડાઓ મુજબ એપ્રિલ મહિનાના અંત સુધીમાં ૩.૪ મિલિયન નોકરીઓ ફર્લો પર હતી જે અગાઉના મહિનાના અંતની સરખામણીએ ૯૦૦,૦૦૦ ઓછી થઈ છે. ગત વર્ષના માર્ચમાં ફર્લો સ્કીમ શરુ કરાઈ ત્યારથી કુલ ૧૧.૫ મિલિયન નોકરીઓને અંદાજે ૬૪ બિલિયન પાઉન્ડના ખર્ચ સાથે બચાવી લેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter