• ફર્લો સ્કીમના £૨૧૫ મિલિયન સરકારને પરત
કોરોના મહામારી દરમિયાન વર્કર્સને નોકરીઓ પર જાળવી રાખવા જાહેર કરાયેલી ફર્લો સ્કીમમાં સરકાર પાસે આશરે ૩૫.૪ બિલિયન પાઉન્ડના ક્લેઈમ્સ કરાયા હતા. આ રકમમાંથી ૨૧૫ મિલિયન પાઉન્ડની રકમ સરકારને પરત કરવામાં આવી છે. ૮૦,૪૦૦થી વધુ એમ્પ્લોયર્સે તેમના કર્મચારીઓનું વેતન ચૂકવવા ક્લેઈમ કરાયેલી રકમ પરત કરી હતી. કંપનીઓ અને અન્ય બિઝનેસીસે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૨૧૫,૭૫૬,૧૨૧ પાઉન્ડ પરત કર્યા હોવાની માહિતી ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ અંતર્ગત મળી હતી. હાઉસબિલ્ડર્સ રેડ્રો, બેરેટ, ટેલર વિમ્પે, બન્ઝેલ અને આઈકીઆએ ક્લેઈમ કરેલી તમામ રકમ સરકારને પાછી આપી હોવાનું કહ્યું છે. રીટેઈલર પ્રિમાર્કે પણ તેમને મળવાપાત્ર ૩૦ મિલિયન પાઉન્ડનો ક્લેઈમ નહિ કરવાનું જણાવ્યું છે.
• કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ વડા પર પ્રતિબંધ
વૈશ્વિક કૌભાંડ સાથે સંકળાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ વડા એલેકઝાન્ડર નિક્સ સાત વર્ષ સુધી કંપની ડાયરેક્ટર બની ન શકે તેવો પ્રતિબંધ લગાવાયો છે. ઈન્સોલ્વન્સી સર્વિસ અનુસાર નિક્સે ‘લાંચ, હની ટ્રેપ સ્ટિંગ્સ, વોટર ડિસએન્ગેજમેન્ટ કેમ્પેઈન્સ, રાજકીય વિરોધીઓને બદનામ કરવા માહિતી મેળવવી તેમજ રાજકીય કેમ્પેઈન્સમાં અનામી રહીને માહિતીનો પ્રસાર કરવા’ સહિતની પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરી હતી. એટોનના પૂર્વ વિદ્યાર્થી અને ફાઈનાન્સિયલ એનાલિસ્ટ નિક્સની આવી પ્રવૃત્તિને ‘અનૈતિક’ ગણાવાઈ હતી. તેમની સામે ૫ ઓક્ટોબરથી પ્રતિબંધ લાગ્યા પછી સાત વર્ષ સુધી તેઓ કંપનીના ડાયરેક્ટર બની નહિ શકે, કોઈ કંપનીને પ્રમોટ કરવા, સ્થાપના અને સંચાલનનો હિસ્સો બની શકશે નહિ. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકાની પેરન્ટ કંપની SCL Elections અને સંકળાયેલી પાંચ કંપનીઓ ૨૦૧૮થી કામ કરતી બંધ થઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦૧૬ના ઈલેક્શન કેમ્પેઈનમાં ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પરથી કરોડો મતદારોનો ડેટા મેળવવામાં તેમનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.
• યસ બેંકના રાણા કપૂરના લંડનના ફલેટ પર ટાંચ
ભારતનાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઇડી)એ યસ બેંકના સહ પ્રમોટર રાણા કપૂરનો લંડનમાં સાઉથ ઓડલી સ્ટ્રીટસ્થિત ૧૩.૫ મિલિયન પાઉન્ડની બજારકિંમત ધરાવતો ફલેટ ટાંચમાં લીધો છે. કપૂર અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબધે ઇડીની આ કાર્યવાહી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ લંડનની એપાર્ટમેન્ટને ટાંચમાં લેવાનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. રાણા કપૂર ૨૦૧૭માં ૯.૯ મિલિયન પાઉન્ડમાં ખરીદાયેલી આ મિલકત વેચવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, ભારતીય તપાસ એજન્સી બ્રિટનની પોતાની સમકક્ષ એજન્સીનો સંપર્ક સાધી ટાંચમાં લેવાનો ઓર્ડર સુપ્રત કરે તે પછી આ મિલકત વેચી શકાશે નહિ. ઉલ્લેખનીય છે કે ઇડીએ અગાઉ પણ પીએમએલએ હેઠળ અમેરિકા, દુબઇ અને ઓસ્ટ્રેલિયામાં સંપત્તિ ટાંચમાં લીધી હતી.
• ગ્રેજ્યુએટ્સ પ્રિઝન ઓફિસરનું કામ કરશે
રસેલ ગ્રૂપ, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિતની યુનવર્સિટીઓના ૧૩૦થી વધુ ગ્રેજ્યુએટ્સે વેસ્ટ મિડલેન્ડ્સ, નોર્થ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ સહિતની જેલોમાં પ્રિઝન ઓફિસરનું કામ કરવા નોંધણી કરાવી છે. અનલોક્ડ ગ્રેજ્યુએટ્સ સ્કીમ હેઠળ આ વિક્રમી સંખ્યા છે. આ યોજનામાં બે તૃતીઆંશથી વધુ (૬૭ ટકા) મહિલા જોડાઈ છે. અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી ગ્રૂપના સફળ ગ્રેજ્યુએટ્સની સંખ્યા ૧૫ ટકા જેટલી છે. સફળ ઉમેદવારનું પ્રારંભિક વેતન અન્ય પ્રિઝન ઓફિસર જેટલું જ રહેશે. આંકડાઓ મુજબ આ વર્ષે ૭૦૦૦થી વધુ ગ્રેજ્યુએટ્સે અને ગયા વર્ષે ૫૦૦૦થી વધુ ગ્રેજ્યુએટ્સે આ પ્રોગ્રામમાં રસ દર્શાવ્યો હતો.
• સોલિલિટરને નકામા કેસીસ બદલ દંડ
સોલિસિટર્સ ડિસિપ્લીનરી ટ્રિબ્યુનલે ઈમિગ્રેશન સોલિસિટરને નકામા જ્યુડિશિયલ રીવ્યૂ ક્લેઈમ્સ તેમજ અન્ય નિયમભંગો બદલ ૬૦,૦૦૦ પાઉન્ડનો દંડ, ૨૪,૮૦૦ પાઉન્ડની કોસ્ટ તેમજ જ્યૂડિશિયલ રીવ્યૂઝ દાખલ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. અપર ટ્રિબ્યુનલે હેરો સોલિસિટર્સના સૈયદ વાસિફ અલીને જૂન ૨૦૧૮માં સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીને રીફર કર્યા હતા. તેમણે જાન્યુઆરી ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના ગાળામાં મૂકેલા ૩૬ જ્યુડિશિયલ રીવ્યૂમાંથી ૧૧ને કોઈ મેરિટ વિનાના હોવાથી અને ૯ દાખલ કરી ન શકાય તેવા ગણાવી ફગાવી દેવાયા હતા. સોલિસિટર અલી સામે અક્ષમતા, બેદરકારી, ગેરવર્તન, ક્લાયન્ટ્સને યોગ્ય સલાહ ન આપવી તેમજ કાર્યવાહીના દુરુપયોગના આરોપ લગાવાયા હતા. અલીએ બેદરકારી સિવાયના આરોપ સ્વીકારી લીધા હતા.
• પંજાબ રેડિયો લિમિટેડને દંડ
બ્રોડકાસ્ટિંગ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ ઓફકોમ દ્વારા પંજાબ રેડિયો લિમિટેડને ૩૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લાઈસન્સી દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં પંજાબી કાવ્યો અને શ્રોતાઓના ફોનનો કાર્યક્રમ રજૂ કરાયો હતો જેમાં કોઈ મુદ્દાને રજૂ કરી લોકોને તેના વિશે મંતવ્યો રજૂ કરવા જણાવાયું હતું. ઓફકોમના ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના પ્રસિદ્ધ નિર્ણયમાં જણાયું હતું કે પ્રોગ્રામથી બ્રોડકાસ્ટિંગ નિયમો ૩.૧ અને ૨.૩નો ભંગ થયો હતો. પ્રસારણની સામગ્રી અપરાધી કૃત્યને ઉશ્કેરનારી કે જાહેર વ્યવસ્થાના ભંગ તરફ દોરી જનારી તેમજ લોકોને પૂરતું રક્ષણ આપવામાં નિષ્ફળ જનારી હતી.
• ટ્રેનો દોડતી રાખવા બિલિયન્સના કોન્ટ્રાક્ટ
ટેક્સપેયર્સે ખોટમાં ચાલતી રેલ નેટવર્ક પાછળ ૨૦૨૨ સુધીમાં બિલિયન્સ પાઉન્ડનો ભોગ આપવો પડશે. કોરોના મહામારીની શરુઆતમાં કરાયેલા કોન્ટ્રાક્ટસ હજુ ૧૮ મહિના લંબાવાયા છે. આ માટે તેમને ફી તરીકે ૧૩૦ મિલિયન પાઉન્ડ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે કરદાતાઓએ ખાનગી ઓપરેટર્સની આવક અને ખર્ચના જોખમો પોતાના શિરે લેવાના થશે. માર્ચ પછી રેલવે પેસેન્જર્સની સંખ્યા ઘણી ઘટી જવા સાથે રેલવેને ચાલતી રાખવા પાછળ ૩.૫ બિલિયન પાઉન્ડ તો ખર્ચાઈ ગયા છે. અત્યારે પણ ટ્રેનો લોકડાઉન પહેલાની સરખામણીએ ત્રીજા ભાગના પ્રવાસીની હેરફેર કરે છે.
• ભાડાંમાં ૨૦ ટકા જેટલો કાપ
લંડનના કેટલાક વિસ્તારોમાં ખાનગી ભાડાંમાં ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીમાં ભાડૂતો સિટી સેન્ટર્સ છોડી ગયા હોવાથી મકાનમાલિકોએ ભાડાંની મિલકતો પરનું ભાડું ઘટાડવાની ફરજ પડી છે. બીજી તરફ, એસ્ટેટ એજન્ટ્સના જણાવ્યા મુજબ કહેવાતા પ્રાઈમ વિસ્તારોમાં સરેરાશ ભાડાંમાં ૪થી ૭ ટકાનો ઘટાડો થયો છે. જોકે, બ્લૂમ્સબરી, ક્લાર્કેનવેલમાં ઓછામાં ઓછાં ૧૦ ટકા તેમજ બાર્બિકન એસ્ટેટ વિસ્તારમાં ભાડાંમાં ૨૦ ટકા જેટલો ઘટાડો હતો. સમગ્ર બ્રિટનમાં શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સહિત લોકો દ્વારા ભાડે રાખવાની માગ ૨૩ ટકા જેટલી ઘટી હોવાનું પણ કહેવાય છે.
• હજારો એસાઈલમ સીકર્સની હકાલપટ્ટી કરાશે
હાલ યુકેમાં હોટેલોમાં રખાયેલા હજારો એસાઈલમ સીકર્સની હકાલપટ્ટી કરાઈ શકે છે તેમ હોમ ઓફિસે જણાવ્યું છે. જે લોકોને એસાઈલમનો ઈનકાર કરાયો છે અને તેમની કોઈ અપીલ પડતર નથી તેમને તાત્કાલિક ધોરણે દેશનિકાલ કરાશે. આ લોકોને ૨૧ દિવસમાં જ યુકે છોડી જવાની નોટિસો મોકલવામાં આવશે. બીજી તરફ, ચેરિટીઝે જણાવ્યું છે કે ઈમિગ્રેશન ડિટેન્શન કેમ્પ્સમાં રખાતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. હોમ ઓફિસે હાલમાં જ મોર્ટન હોલ ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટર બંધ કર્યું છે અને ઉત્તર ફ્રાન્સથી બોટ દ્વારા યુકે આવેલા એસાઈલમ સીકર્સને યાર્લ્સ વૂડ સેન્ટરમાં રખાયા છે.

