લંડનઃ સરકારની ફર્લો સ્કીમમાં ભૂલથી અથવા ખોટા ક્લેઈમમાં ૩.૫ બિલિયન પાઉન્ડ સુધીની રકમ ચૂકવાઈ હોવાનું HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ દ્વારા જણાવાયું હતું. HMRC પરમેનન્ટ સેક્રેટરી જીમ હારાએ ૭ ઓગસ્ટે સાંસદોને જણાવ્યું હતું કે ફર્લો સ્કીમમાં ૫થી ૧૦ ટકા જેટલી અરજીઓમાં ભૂલથી અથવા છેતરપિંડી દ્વારા ક્લેઈમ ચૂકવાયા હોવાની દહેશત વચ્ચે ૨૭,૦૦૦ હાઈ-રીસ્ક કેસ પર વિચારણા કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા મુજબ એપ્રિલમાં આ સ્કીમ શરૂ થઈ ત્યારથી ૩૫.૪ બિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા.
આ સ્કીમમાં ફર્લો પર રહેલા કર્મચારીઓને તેમના વેતનની ૮૦ ટકા રકમ ચૂકવાઈ હતી. ઓગસ્ટ સુધીમાં અંદાજે ૧.૨ મિલિયન એમ્પ્લોયર્સે તેનો ઉપયોગ કર્યો હતો. મહામારી દરમિયાન લગભગ ૨.૭ મિલિયન જેટલાં સેલ્ફ એમ્પ્લોઈડ લોકોએ આ સ્કીમનો ઉપયોગ કરીને ટ્રેઝરીમાંથી વધુ ૭.૮ બિલિયન પાઉન્ડની રકમ ક્લેઈમ કરી હતી.
તેમણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું હતું કે એમ્પ્લોયર્સ તેમના ક્લેઈમ્સ ચકાસે અને વધુ પડતી રકમ આવી ગઈ હોય તો તે પાછી જમા કરાવે તેવી અપેક્ષા છે. ફ્રોડ થયું હોય તેના પર વધારે ધ્યાન અપાશે. HMRCના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે આ સ્કીમ અંગે HMRCની ફ્રોડ ટેલિફોન હોટલાઈનને ૮,૦૦૦ કોલ મળ્યા હતા.માલિકોએ ખોટા ક્લેઈમ કર્યા હોવાનું જે કર્મચારીઓ માનતા હોય તેમને આ ડિપાર્ટમેન્ટને જાણ કરવા પણ તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ વડા ઈયાન ડંકન સ્મિથે જણાવ્યું કે આ સમય સ્કીમ બંધ કરવાનો હોવાનું આ આંકડા જ પૂરવાર કરે છે.