લંડન
નવજાત બાળકોમાં શ્વસન તંત્રની બીમારી આરએસવી સામે સંરક્ષણ આપતી ગેમ ચેન્જિંગ રસી ફાઇઝર દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસી ગર્ભવતી મહિલાને આપવામાં આવશે જેથી તેના બાળકને જન્મના સમયથી જ આરએસવી સામે સંરક્ષણ પ્રાપ્ત થાય. ફાઇઝરની આ રસીની ટ્રાયલના પરિણામ અનુસાર આ રસી લેનાર માતાના બાળકને ગંભીર વાઇરસ સામે 80 ટકા સંરક્ષણ પ્રાપ્ત થાય છે. બ્રિટનમાં આ બીમારીના કારણે દર વર્ષે 30,000 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને 80 બાળકનાં મોત થાય છે. વિશ્વમાં આરએસવી બીમારીના કારણે વર્ષે 1 લાખ નવજાત બાળકો મોતને ભેટે છે. વેક્સિન રિસર્ચના ઇન્ચાર્જ એનાલિસા એન્ડરસને જણાવ્યું હતું કે, અમે આ રસીના પરિણામથી ઘણા રોમાંચિત છીએ. ટૂંકસમયમાં રેગ્યુલેટરની મંજૂરીની કાર્યવાહી હાથ ધરાશે. એનએચએસને ભય છે કે આ વર્ષે પણ આરએસવી અને ફ્લૂના કેસ મોટી સંખ્યામાં નોંધાઇ શકે છે. અત્યાર સુધી આરએસવી બીમારી માટે કોઇ રસી તૈયાર કરી શકાઇ નહોતી.


