લંડનઃ ફ્રોડ કરનારા ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (એફસીએ)ના અધિકારી તરીકે પોતાને રજૂ કરી હજારો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં હોવાની ચેતવણી જારી કરવામાં આવી છે. એફસીએએ જણાવ્યું છે કે 2025ના પ્રથમ 6 મહિનામાં રેગ્યુલેટર તરીકે પોતાને રજૂ કરનારા સ્કેમર્સની 4465 ફરિયાદ પ્રાપ્ત થઇ છે.
એફસીએએ જણાવ્યું છે કે સ્કેમર્સલોકો પાસેથી બેન્ક એકાઉન્ટના પીન નંબર અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી મેળવીને નાણાની ઉચાપત કરી રહ્યાં છે. 480 જેટલાં લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરાઇ છે. રેગ્યુલેટરે જણાવ્યું છે કે સ્કેમર્સ મુખ્યત્વે વૃદ્ધોને લક્ષ્યાંક બનાવી રહ્યાં છે.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટીવ સ્માર્ટે જણાવ્યું છે કે સ્કેમર્સ ઘણા ક્રુર હય છે. તેઓ રેગ્યુલેટરના નામે નિર્દોષ લોકોના નાણાની ઉચાપતનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે ક્યારેય એફસીએને નાણા ટ્રાન્સફર કરવા જણાવતા નથી કે બેન્ક એકાઉન્ટના પીન નંબર કે પાસવર્ડ માગતા નથી. તેથી જો કોઇ આવી માહિતી માગે તો ચોક્કસ ફરિયાદ કરો.