લંડનઃ યુકેમાં કોરોના વાઈરસની ત્રીજી લહેરને આવતી અટકાવવા બૂસ્ટર ડોઝના અભિયાન માટે ફાઈઝર કોવિડ વેક્સિનના વધુ ૬૦ મિલિયન ડોઝની ખરીદી કરવામાં આવી છે. સરકાર ઓટમના બૂસ્ટર ડોઝનો સંગ્રહ કરી રહી છે. યુકે દ્વારા કુલ ૧૦૦ મિલિયન વેક્સિન ડોઝનો ઓર્ડર અપાયેલો છે.
બોરિસ સરકારને કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચેતવણી અપાઈ છે અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર સુધીમાં અશક્તો માટે કોવિડ વેક્સિનના વધારાના ડોઝ મળવા લાગશે. આગામી થોડા સપ્તાહમાં ૪૦ વર્ષથી ઓછી વયના લોકો માટે વેક્સિનેશન શરુ કરી દેવાશે. શિયાળામાં જીવલેણ ત્રીજી લહેરને અટકાવવા ૫૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને નવા વેરિએન્ટ્સ સામે ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાની યોજના હોવાનું ધ સનના અહેવાલમાં જણાવાયું છે.
ફાઈઝર કોવિડ વેક્સિનના વધુ ૬૦ મિલિયન ડોઝ સાથે યુકેના વેક્સિન ભાથામાં ઉમેરો થશે. આ ૬૦ મિલિયન ડોઝનું ઉત્પાદન બાકી છે અને તે ફોરવર્ડ ઓર્ડર છે. યુકે પાસે વિવિધ પ્રકારના આઠ વેક્સિનના કુલ ૫૧૭ મિલિયન ડોઝ થશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, વેક્સિન આપણને ફરી આઝાદી મેળવવામાં મદદ કરશે અને આપણે આ પ્રોગ્રામની રક્ષા કરવી જોઈએ. આથી, આપણે બૂસ્ટર ડોઝની યોજના પર પણ કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે વેક્સિનથી તમારું ને તમારા સ્વજનોનું રક્ષણ થતું હોવાના પુરાવાઓ સતત મળી રહ્યાં છે.
ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટામે જણાવ્યું હતું કે સંપૂર્ણ વેક્સિન અપાયેલા લોકો વચ્ચે મુલાકાતો પ્રમાણમાં સલામત છે. બીજો ડોઝ લીધાના ઓછામાં ઓછાં બે સપ્તાહ પછી બે વ્યક્તિઓ મળે તેમાં કોઈ જોખમ નથી.