કોવિડ-૧૯ માટેની ફાઈઝરની વેક્સિન મંજૂર થઈ જાય તે પછી કંપની બેલ્જિયમમાં પુરુસ ખાતે આવેલા પ્રોડક્શન પ્લાન્ટમાંથી ફ્રીઝર બોક્સમાં યુકે મોકલી આપશે. દરેક બોક્સમાં વેક્સિનની ૧૯૫ વાયલ્સ હશે. તે દરેકમાં પાંચ ડોઝ હશે. ડબલ મેમ્બ્રાન બોક્સમાં રહેલો ડ્રાય આઈસ વેક્સિનને જરૂરી -૭૫ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન જાળવી રાખશે. આ વેક્સિન બ્રિટન પહોંચશે તે પછી અજ્ઞાત સ્થળોએ આવેલા ૫૦ મેડિસીન સ્ટોરેજ વેરહાઉસના નેટવર્ક પર ટ્રક દ્વારા તેને લઈ જવાશે. દેશની ૯૨ ટકા દવાઓનો જથ્થો આ વેરહાઉસીસ દ્વારા પૂરો પડાય છે. તે દરરોજ ૧૬,૫૦૦ હોસ્પિટલો, ફાર્મસી અને પ્રાઈમરી કેર હેલ્થ સેન્ટરને દવાઓ પહોંચાડે છે.
વેરહાઉસ માલિકોનું પ્રતિનિધિત્વ કરતા હેલ્થ કેર ડિસ્ટ્રિબ્યુશન એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્ટિન સેવરે જણાવ્યું કે વેક્સિનને NHS દ્વારા મેળવાયેલા ખાસ ડિઝાઈન કરાયેલા ખૂબ નીચા તાપમાનવાળા ફ્રીઝર્સમાં રખાશે જે રોલઆઉટ દરમિયાન વેરહાઉસીસને અપાશે. વેક્સિનેશન સેન્ટર પરથી ઓર્ડર મળશે એટલે તેને ત્રણ કલાક ડિફ્રોસ્ટ કરવા માટે સ્ટોકને નાના બંગલોની સાઈઝના મહાકાય ફ્રીઝમાં ખસેડવામાં આવશે. તેનું તાપમાન યોગ્ય થતાં જ તાત્કાલિક ડિસ્ટ્રિબ્યુશન માટે તેને રેફ્રિજરેટેડ વાનમાં મૂકાશે. છ મહિના સુધી આ બોક્સ સબ આર્કટિક ટેમ્પરેચર પર સ્ટોર રહી શકે છે. જોકે, એક વખત તેને ખોલવામાં આવે અને તેનો ઠાર ઓગળવા લાગે એટલે તેનો બગાડ નિવારવા તે વેક્સિન એક્સપાયર થાય તે પહેલા તેને પહોંચાડીને લોકોને આપી દેવા માટે NHSની સમય સાથે સ્પર્ધા શરૂ થઈ જશે.
સરકારે ફાઈઝરની વેક્સિનનો ૪૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. પરંતુ, દસ પ્રાયોરિટી ગ્રૂપમાં ૨૦ મિલિયનથી ૨૨ મિલિયન લોકોને તે પહેલા આપવામાં આવશે. દરેકને ત્રણ અઠવાડિયાના અંતરે બે - બે ઈન્જેક્શન અપાશે. વેક્સિનેશનમાં સંકળાયેલા જીપી અને તમામ લોકોને વેક્સિનનો ૫ ટકાથી વધુ બગાડ ન થાય તે જોવા NHS ઈંગ્લેન્ડ દ્વારા સૂચના અપાઈ છે. રેફ્રિજરેટેડ વાન દ્વારા ઈંગ્લેન્ડમાં કેટલાંક હજાર જગ્યાએ વેક્સિનની બેચની ડિલિવરી કરાશે. આ સ્થળોએ લોકોને વેક્સિન અપાશે. વેક્સિનેશનના લગભગ ૧,૫૬૦ કેન્દ્ર જીપી દ્વારા ચલાવાશે.