ફાઈનાન્સિયલ અગ્રણી મિતેશ શેઠ MBE સન્માનથી વિભુષિત કરાયા

Wednesday 05th January 2022 06:23 EST
 
 

લંડનઃ અગ્રણી સ્વતંત્ર ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ રેડિંગ્ટનના વિદાય લઈ રહેલા સીઈઓ મિતેશ શેઠને ક્વીન્સ ન્યુ યર ઓનર્સ લિસ્ટમાં MBE સન્માનથી વિભુષિત કરાયા છે. ફાઈનાન્સિયલ અગ્રણી મિતેશ શેઠને ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં ડાઈવર્સિટી અને સમાવેશિતાના સંદર્ભે સેવા બદલ આ સન્માન અપાયું છે.

મિતેશભાઈએ રેડિંગ્ટનમાં આઠ વર્ષ ફરજ બજાવ્યા પછી ૨૦૨૧ના અંત ભાગમાં પદત્યાગ કર્યો હતો. સીઈઓ તરીકે તેમની પાંચ વર્ષની ભૂમિકામાં ૧૦૦ મિલિયન લોકોને નાણાકીય રીતે સુરક્ષિત બનાવવાના મિશન સાથેની રેડિંગ્ટનના વિકાસ સાથે કર્મચારીઓની સંખ્યા ૮૦થી વધીને ૨૦૦થી વધુના આંકડે પહોંચી હતી. તેઓ સમગ્ર ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં વૈવિધ્યતા અને સમાવેશિતાને આગળ વધારવાના હિમાયતી બની રહ્યા હતા. તેમની નેતાગીરી હેઠળ કંપની જેન્ડર પે ગેપ ઘટાડવામાં પ્રથમ બની રહી હતી. કંપની સૌથી ખુલ્લાં વાતાવરણ, ઈનોવેટિવ અને ઈન્ક્લુઝિવ વર્કપ્લેસ સંસ્કૃતિ ધરાવતી કંપનીઓમાં એક બની છે.

મિતેશભાઈ ડાઈવર્સિટી પ્રોજેક્ટ માટેના એડવાઈઝરી બોર્ડના સભ્ય હોવા સાથે જેન્ડર વર્કસ્ટ્રીમ માટેના સીઈઓ સ્પોન્સર ગ્રૂપના સક્રિય સભ્ય પણ છે. તેમણે ટેમ્પલ્ટન પ્રાઈઝવિજેતા દિવંગત પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)થી પ્રેરિત ચેરિટી ડિવાઈન યુથ એસોસિયેશન (DYA UK) માટે ૨૦ કરતા વધુ વર્ષ સ્વયંસેવક તરીકે સેવા આપી છે.

મિતેશભાઈએ જણાવ્યું હતું કે,‘અમે ગત થોડાં વર્ષથી જે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છીએ તે બદલ સન્માનિત થવાથી આશીર્વાદ મળ્યાની લાગણી થાય છે. આ વ્યાપક સહિયારો પ્રયાસ છે અને હજુ ઘણે દૂર સુધી લઈ જવાની જરૂર છે. મહામારીથી આપણા સમાજમાં ઘણી અસમાનતા સર્જાઈ છે ત્યારે આપણે વાતો થોડી અને કામ વધુ કરવાની જરૂર છે. આપણે જે કરતા રહ્યા છીએ તે વધુ પ્રમાણમાં કરીશું તો સારાં પરિણામ મળતાં રહેશે. મને દરરોજ વર્તમાન અને ભૂતકાલીન વ્યક્તિત્વોમાંથી પ્રેરણા મળતી રહે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter