લંડનઃ ગેંગવોરમાં ફાયરિંગ દરમિયાન ભારતીય મૂળની 9 વર્ષીય બાળકીને ગંભીર ઇજા પહોંચાડવા માટે 33 વર્ષીય જેવોન રાઇલીને 34 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. મે 2024માં ડાલ્સટનની કિંગ્સલેડ હાઇ સ્ટ્રીટ ખાતેના રેસ્ટોરન્ટમાં બાળકી તેના પરિવાર સાથે ભોજન લઇ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી મોટર સાઇકલ પરથી 6 બૂલેટ ફાયર કરાઇ હતી. જેમાંથી એક બૂલેટ બાળકીના માથામાં વાગી હતી. હજુ પણ આ બુલેટ તે બાળકીના મગજમાં જ હોવાથી તેને ગંભીર શારીરિક નુકસાન થયું છે.
રાઇલીને તે સમયે રેસ્ટોરન્ટની બહાર બેઠેલા મુસ્તફા કિઝિલટન, કેનન એયડોગડુ અને નાસેર અલીની હત્યાના પ્રયાસ માટે પણ સજા કરાઇ છે. રાઇલીને સજા ફટકારતાં જજ માર્ક લૂક્રાફ્ટ કેસીએ જણાવ્યું હતું કે, ગેંગવોરના કારણે લંડનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી હત્યા થઇ છે. રાઇલી આ હુમલાનો કાવતરાખોર હતો જેણે અગાઉની ઘટનાઓનો બદલો લેવા આ હુમલો કર્યો હતો.