લંડનઃ બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી દેખાવો શનિવારે ચરમ પર પહોંચ્યા હતા. માન્ચેસ્ટરમાં ઇમિગ્રન્ટ્સને સામુહિક રીતે દેશનિકાલની માગ સાથે દેખાવકારોએ એક રેલીનું આયોજન કર્યું હતું. બ્રિટન ફર્સ્ટ નામના સંગઠન દ્વારા આયોજિત રેલીના વિરોધમાં એન્ટી રેસિઝમ સંગઠનો દ્વારા પણ દેખાવો કરાયાં હતાં. જેને પગલે બંને જૂથો વચ્ચે સંઘર્ષની નોબત આવી હતી. સેન્ટ્રલ લંડનમાં પણ ઇમિગ્રેશન વિરોધી અને તરફેણ કરનારા જૂથો સામસામે આવી ગયાં હતાં. લંડનના બાર્બિકનમાં આવેલી અસાયલમ હોટેલ ખાતે બંને જૂથો વચ્ચે અથડામણો સર્જાઇ હતી. ફાર રાઇટ્સે અસાયમલ હોટલો બંધ કરવાની માગ કરી હતી. પોલીસે અહીં 9 વ્યક્તિની ધરપકડ કરી હતી. ફાર રાઇટ્સ દેખાવકારોએ જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ્સના કારણે જોખમાઇ રહેલી સુરક્ષા માટે અમે ચિંતિત છીએ.
રવિવારે સાંજે પણ કેનેરી વ્હાર્ફમાં બ્રિટાનિયા હોટેલ પર 30 જેટલા ફાર રાઇટ્સે સ્મોક બોમ્બ વડે હુમલો કર્યો હતો. તેમણે હોટેલમાં પ્રવેશવા ત્યાં તહેનાત પોલીસ કર્મચારીઓ સાથે સંઘર્ષ કર્યો હતો. જોકે પોલીસે આ ટોળાને વિખેરી નાખ્યું હતું.
બીજીતરફ પોલીસે ઇમિગ્રન્ટ વિરોધી ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિનસનની લંડનના સેન્ટ પાનક્રાસ સ્ટેશન પર ગયા મહિને થયેલા હુમલાના કેસમાં શંકાના આધારે ધરપકડ કરી હતી. પોલીસે રોબિનસનને લ્યુટન એરપોર્ટ ખાતેથી ઝડપી લીધો હતો. 29 જુલાઇના રોજ થયેલા આ હુમલામાં પોલીસ રોબિનસનની પૂછપરછ કરવા માગતી હતી.
કોમ્યુનિટી સ્થળોમાં ઘટાડાના કારણે ફાર રાઇટ કટ્ટરવાદ ઉગ્ર બન્યો
પબ, પાર્ક, લીઝર સેન્ટર અને યૂથ ક્લબ જેવા સ્થળોમાં ઘટાડાના કારણે ફાર રાઇટ કટ્ટરવાદ ઉગ્ર બન્યો હોવાનું તારણ એક થિન્ક ટેન્કે આપ્યું છે. સાઉથપોર્ટ રમખાણોના એક વર્ષ બાદ આઇપીપીઆર દ્વારા રજૂ કરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 2012થી 2016 વચ્ચે 600 યૂથ ક્લબ બંધ થઇ ચૂકી છે અને દર મહિને 50 પબ બંધ થઇ રહ્યાં છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 2018થી 2023 વચ્ચે લંડનમાં દર વર્ષે સરકાર સંચાલિત 10 કોમ્યુનિટી સ્પેસ બંધ થઇ ગઇ છે. લોકો એકબીજાને વ્યક્તિગત રીતે મળી શકે તેવા સ્થળો બંધ થઇ જવાના કારણે સામાજિક તાણાવાણા નબળાં પડ્યાં છે અને સમુદાયો ફાર રાઇટ વિચારધારાના પ્રભાવમાં આવી રહ્યાં છે.
મીડિયા અને રાજકારણીઓની ભાષાના કારણે ફાર રાઇટ વિચારધારા વકરી
યુકેની સંસદમાં થતી ચર્ચાઓ અને અખબારી અહેવાલોમાં ઉપયોગમાં લેવાતી ભાષાના કારણે ઇમિગ્રન્ટ્સ સામે રંગભેદ વધી રહ્યો છે અને તેમના પ્રત્યેની સહાનુભૂતિમાં ઘટાડો થાય છે. રેસ ઇક્વાલિટી થિન્ક ટેન્ક રનીમેડ ટ્રસ્ટે 52990 અખબારી આર્ટિકલ અને ઇમિગ્રેશન પર 2019થી જુલાઇ 2024 વચ્ચે સંસદમાં યોજાયેલી 317 ચર્ચામાં વપરાયેલા 63 મિલિયન શબ્દોની સમીક્ષા કરી હતી. રિસર્ચરોએ અભ્યાસમાં તારણ આપ્યું છે કે મીડિયા અને રાજકારણીઓ દ્વારા વંશ અને ઇમિગ્રેશન અંગે ઉપયોગમાં લેવાતી ભાષાના કારણે પ્રત્યાઘાતી રાજનીતિ અને એન્ટીરેસિઝમ સામે આક્રોશને જન્મ આપ્યો છે. તેના કારણે દેશમાં ફાર રાઇટ વિચારધારા મજબૂત બની રહી છે.
ચેનલ પાર કરતા માઇગ્રન્ટ્સની અટકાયત કરી ફ્રાન્સ પરત મોકલાશે
ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા યુકે અને ફ્રાન્સ વચ્ચેની વન ઇન વન આઉટ યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે. હવે બ્રિટિશ અધિકારીઓ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની અટકાયત કરીને ફ્રાન્સ પરત મોકલી શકશે. બદલામાં યુકે ફ્રાન્સમાંથી એવા રાજ્યાશ્રયવાંચ્છુઓ સ્વીકારશે જેમણે ક્યારેય ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કર્યો નહીં હોય. વડાપ્રધાન સ્ટાર્મરનો દાવો છે કે આ યોજનાના સારા પરિણામ હાંસલ કરી શકાશે.