લંડનઃ યુકેમાં ફાર રાઇટના ઉદય પર લઘુમતી સમુદાયોના ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તેમને લાગે છે કે હવે બ્રિટનમાં ફાર રાઇટ કાયદેસર અને લોકપ્રિય બની રહ્યાં છે. આમ તો ફાર રાઇટ એક્ટિવિસ્ટ એવો દાવો કરી રહ્યાં છે કે તેમનું આંદોલન ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સામે છે પરંતુ તેમની આક્રમકતાને કારણે યુકેમાં કાયદેસર રીતે વસતા વંશીય લઘુમતી સમુદાયોના ઇમિગ્રન્ટ્સમાં પણ ભયની લાગણી પ્રવર્તી રહી છે. 50 વર્ષ પહેલાં બ્રિટન પહોંચેલા ઘણા ઇમિગ્રન્ટ્સ તે સમયના રેસિસ્ટ અભિયાનોને યાદ કરી રહ્યાં છે.
નિવૃત્ત સીનિયર સિવિલ સર્વન્ટ દબિન્દરજિત સિંહ કહે છે કે મને યાદ છે કે 1970ના દાયકામાં મારા પિતાએ નેશનલ ફ્રન્ટ વિરોધી દેખાવમાં ભાગ લીધો હતો. બહુમતી લોકો આજે પણ સારા છે પરંતુ એમ લાગી રહ્યું છે કે ફાર રાઇટ કાયદેસર અને લોકપ્રિય બની રહ્યાં છે. સિંહ સપ્તાહાંતમાં ટોમી રોબિન્સનના નેતૃત્વમાં આયોજિત ફાર રાઇટ રેલી પર પ્રત્યાઘાત આપી રહ્યાં હતાં. કેટલાંક વંશીય લઘુમતી બ્રિટિશરોએ પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે આ રેલી જોઇને અમને 50 વર્ષ પહેલાંની ફાર રાઇટ રેલીઓની યાદ આવી ગઇ હતી.
માન્ચેસ્ટરના 70 વર્ષીય હેટિસિયા મેકિન્તોશ વેકેશન પુરું કરીને વાયા હિથ્રો આવી રહ્યાં હતાં ત્યારે તેમને વોટ્સએપ પર સંદેશો મળ્યો હતો કે જો તમે વંશીય લઘુમતી સમુદાયના છો તો લંડનનો પ્રવાસ કરશો નહીં. એક્સ સર્વિસવુમન એવા મેકિન્તોશને યુવાવસ્થામાં ઇસ્ટ લંડનમાં વિતાવેલા દિવસો યાદ આવી ગયાં હતાં. તેઓ કહે છે કે તે સમયે અમે રેસિસ્ટ ધમકીઓ વચ્ચે જીવતા હતા. તેઓ સારી રીતે જાણે છે કે આ રેસિસ્ટ લાગણીઓ કઇ તરફ દોરી લઇ જઇ શકે છે.
દબિન્દરજિત સિંહ કહે છે કે, મને લાગે છે કે આ 70ના દાયકા કરતાં પણ વધુ ચિંતાજનક સમય છે. આજે ફક્ત યુકે જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ અને ભારત સહિતના ઘણા દેશોમાં લોકો બહુમતી સમુદાયની લાગણીઓ પર રાજનીતિ કરી રહ્યાં છે.
વિન્ડરશ સ્કેન્ડલનો ભોગ બનેલા મેકિન્તોશ કહે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. આપણે બધાએ ભયભીત થવું જોઇએ કારણ કે એક જ પ્રકારના ભેદભાવનું પુનરાવર્તન કરવાથી કોઇ સમાજ પ્રગતિ કરી શક્તો નથી. અમે અમારી વૃદ્ધાવસ્થામાં ભય સાથે નહીં પરંતુ ગૌરવ સાથે જીવવા માગીએ છે. ઘણા બદલાવ છતાં પણ સ્થિતિ તો યથાવત જ રહી છે. લંડનની રેલી જોઇને મારું હૃદય ભાંગી ગયું હતું.
યુકે ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ઇલોન મસ્ક સમર્થિત ફાર રાઇટ સરકારની સંભાવનાઓ નકારી શકાય નહીં. લઘુમતી સમુદાયો ફસાઇ ગયાની અનુભૂતિ કરી રહ્યાં છે. તાજેતરમાં હું મારી પત્ની સાથે ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને પી-વર્ડથી સંબોધિત કર્યો હતો.
બ્રિટિશ મુસ્લિમ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, હાલનું વાતાવરણ અત્યંત ચિંતાજનક છે. સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ અકીલા એહમદે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે આ પ્રકારની રેલીઓ ભયનું વાતાવરણ ફેલાવી રહી છે. મુસ્લિમ મહિલાઓ વધુ સાવચેતી રાખી રહી છે. તેમણે શનિવારે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. આ અસહ્ય સ્થિતિ છે.
દબિન્દરજિત સિંહ કહે છે કે સરકાર રેસિઝમ અટકાવવામાં અક્ષમ છે અથવા તો તેની ઇચ્છા જ નથી. હું ઇચ્છું છું કે હોમ સેક્રેટરી શબાના માહમૂદ ફક્ત ઇમિગ્રેશન પર નહીં પરંતુ રેસિઝમ અને મહિલાઓ પર થઇ રહેલા હુમલા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે.