ફાર રાઇટ્સ દ્વારા રાજકીય લાભ માટે વંશીય હિંસા ભડકાવવાનો પ્રયાસ

આવી ઘટનાનો ઉપયોગ પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા માટે કરવો તદ્દન ખોટુઃ વડાપ્રધાન સ્ટાર્મર

Tuesday 09th June 2026 10:23 EDT
 
 

લંડનઃ સાઉધમ્પ્ટનમાં 18 વર્ષીય હેનરી નોવાકની હત્યાએ સમગ્ર બ્રિટનના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. ભારતીય મૂળના શીખ ઇમિગ્રન્ટ વિક્રમ દિગ્વાને નોવાકની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પોલીસ બોડીકેમનું એક ચોંકાવનારું ફૂટેજ સામે આવ્યું હતું જે વાયરલ થતાં જ દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. .

આ ઘટનામાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફાર-રાઇટ નેતાઓ રાજકીય ફાયદા માટે આ યુવકની હત્યાનો ઉપયોગ કરી વંશીય હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ મૂકાઇ રહ્યો છે.

ગયા મંગળવારે સાંજે સાઉધમ્પ્ટનમાં એક પોલીસ સ્ટેશનની બહાર સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ફાર રાઇટ્સના ઉશ્કેરાયેલા આ ટોળાએ રાયટ પોલીસ પર પથ્થરમારો કરતાં 11 પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. ફાર રાઇટ્સ સંગઠનોએ આ કેસનો ઉપયોગ બ્રિટિશ સંસ્થાઓ અને પોલીસ શ્વેત નાગરિકો પ્રત્યે પક્ષપાત રાખતી હોવાનો ખોટો પ્રચાર કરવા માટે શરૂ કર્યો છે.

નાઇજલ ફારાજ અને રૂપરર્ટ લો જેવા ઇમિગ્રેશન વિરોધી અગ્રણી નેતાઓએ આ ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બ્રિટનમાં પક્ષપાતી પોલીસ વ્યવસ્થાનો દાવો કરીને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.

વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આવી દુર્ઘટનાનો ઉપયોગ પરસ્પર વૈમનસ્ય અને વિભાજન ઊભું કરવા માટે કરવો તદ્દન ખોટું છે. પીડિત પરિવાર પોતે શાંતિની અપીલ કરી રહ્યો હોય ત્યારે આવું કૃત્ય અક્ષમ્ય છે. મૃતક હેનરીના પિતા માર્ક નોવાકે જણાવ્યું હતું કે, તેઓ તેમના પુત્રના મોતનો ઉપયોગ દેશમાં નફરત કે તણાવ ફેલાવવા માટે થાય તેમ બિલકુલ ઈચ્છતા નથી.

સરકારે શીખ સંગઠનો અને લેબર પાર્ટીના સાંસદોને આ મામલે સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે એક વ્યક્તિના ગુના માટે સમગ્ર સમુદાયને નિશાન બનાવવો કે બલિનો બકરો બનાવવો યોગ્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter