ફાર રાઇટ્સ રમખાણોને લોખંડી હાથે દબાવી દેવાયાં, 750થી વધુની ધરપકડ

302 તોફાનીઓ સામે રાયોટિંગના આરોપ ઘડાયાં, હજુ વધુ સેંકડોની ધરપકડ કરાશેઃ પોલીસ

Tuesday 13th August 2024 11:26 EDT
 
 

લંડનઃ એક સપ્તાહ સુધી ચાલેલા ફાર રાઇટ્સ ઠગોના આતંકને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને સરકાર દ્વારા આકરાં પગલાં લેવાયાં છે. જેના પગલે દેશમાં ઝડપથી શાંતિની સ્થાપના કરવામાં સફળતા મળી રહી છે. પોલીસે હિંસક તોફાનોમાં સંડોવાયેલા 750 કરતાં વધુ લોકોની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે હજુ વધુ સેંકડો તોફાનીઓ સામે કાયદાકીય પગલાં લેવાશે.

પોલીસે 741 તોફાનીઓની ધરપકડ કરી છે જેમાં 32 લોકો સામે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી કરવાના આરોપસર કેસ નોંધાયા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 43માંથી 36 પોલીસ વિસ્તારોમાં ઝડપથી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તોફાનીઓ પર હિંસા ફેલાવવા, લૂટફાટ, અસામાજિક અપરાધો અને આગજની સહિતના આરોપો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, 302 લોકો પર આરોપો ઘડાઇ ચૂક્યાં છે અને હજુ વધુ આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવી રહ્યાં છે. નોર્ધન આયર્લેન્ડમાં 26 લોકોની ધરપકડ કરી 21ની સામે રાયોટિંગના આરોપ ઘડાયાં છે.

હિંસામાં સામેલ ડ્રમમોન્ડને 3 વર્ષ, ગેરેનને 30 મહિના અને રાઇલીને 20 મહિનાની કેદ

સાઉથપોર્ટ હત્યાકાંડ બાદ હિંસા આચરી રહેલા ફાર રાઇટ ઠગોની સામે આકરાં પગલાંનો પ્રારંભ થઇ ગયો છે. બુધવારે લીવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા મર્સીસાઇડમાં હિંસક તોફાનોમાં સામેલ 3 આરોપીઓને જેલ ભેગા કરી દેવાયાં હતાં. સાઉથપોર્ટમાં પોલીસ પર હુમલા અને હિંસા ફેલાવવા માટે ડેરેક ડ્રમમોન્ડને 3 વર્ષ, લીવરપૂલમાં હિંસક તોફાનોમાં સામેલ ડેક્લેન ગેરેનને 30 મહિના અને લિયામ રાઇલીને 20 મહિના કેદની સજા ફટકારવામાં આવી છે.

સાઉથપોર્ટના જ્હોન ઓમાલીને 32 મહિના અને લીવરપૂલના વિલિયમ મોર્ગનને 38 મહિનાની કેદ

તોફાનીઓને સ્પષ્ટ સંદેશ આપતાં ગુરુવારે અદાલતે બે ફાર રાઇટ એક્ટિવિસ્ટને કેદની સજા આપી હતી. 30મી જુલાઇના રોજ સાઉથપોર્ટ મસ્જિદની બહાર તોફાનોમાં સંડોવાયેલા 43 વર્ષીય જ્હોન ઓમાલીને 32 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી. ગયા શનિવારે લીવરપૂલમાં થયેલા તોફાનોમાં સંડોવાયેલા 69 વર્ષીય વિલિયમ નેલ્સન મોર્ગનને હિંસા માટે 32 મહિના અને ઘાતક શસ્ત્ર રાખવા માટે વધારાના 6 મહિનાની કેદની સજા અપાઇ હતી.

હાર્ટલેપુલના બે તોફાનીઓને ઉશ્કેરણી અને પોલીસ પર હુમલા માટે 26 મહિનાની કેદ

હાર્ટલેપુલમાં પોલીસ અધિકારીઓ સામે બેફામ ટિપ્પણીઓ અને ટોળાની ઉશ્કેરણી કરનાર નશામાં ધૂત બે વ્યક્તિને જેલ ભેગા કરાયા છે. રાયન શીઅર્સ અને તેના સાથી સ્ટીવમ મેઇલેને 31મી જુલાઇએ 300 કરતાં વધુ તોફાનીઓની આગેવાની લીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટીસાઇડ ક્રાઉન કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં બંનેએ પોતાના પર મૂકાયેલા આરોપની કબૂલાત કરી હતી. જજ ફ્રાન્સિસ લેઇર્ડ કેસીએ બંનેને 26 મહિનાની કેદ  ફટકારી હતી.

શ્વેત વ્યક્તિઓ પર હુમલા માટે બે મુસ્લિમ યુવકોને કેદની સજા

ગયા સપ્તાહમાં દેશને બાનમાં લેનાર હિંસામાં ફાર રાઇટ્સ સમર્થકો પર હુમલા માટે બે મુસ્લિમ યુવકોને જેલની સજા કરાઇ છે. વેસ્ટ યોર્કશાયરના લીડ્સના 21 વર્ષીય સમીર અલી અને 31 વર્ષીય અદનાન ગફૂરને ચાર શ્વેત વ્યક્તિ પર હુમલો કરવા માટે અનુક્રમે 20 અને 18 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. તેઓ ઇંગ્લિશ ડિફેન્સ લીગ દ્વારા આયોજિત ઇમિગ્રેશન વિરોધી રેલીનો વિરોધ કરી રહેલા જૂથમાં સામેલ હતાં.

ફાર રાઇટ્સ હિંસામાં સંડોવણી માટે 12 વર્ષના બાળકો દોષી ઠેરવાયાં

સાઉથપોર્ટના હત્યાકાંડ બાદ દેશમાં ફાટી નીકળેલી હિંસામાં સામેલ 12 વર્ષના બાળકોને પણ દોષી ઠેરવાયાં છે. સગીર હોવાના કારણે તેમના નામ જાહેર કરાયાં નથી પરંતુ માન્ચેસ્ટર અને સાઉથપોર્ટના આ સગીરોએ તેમના પર મૂકાયેલા આરોપોની કબૂલાત કરી લીધી હતી. તેમાંના એક સગીરને લોકલ ઓથોરિટીને સોંપી દેવામાં આવ્યો છે. તેને સજાની સુનાવણી બીજી સપ્ટેમ્બરે કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter