લંડનઃ પૂર્વ રોયલ મરિન પોલ ‘પેન’ ફાર્ધિંગ તેના કાબૂલના એનિમલ શેલ્ટરના પાલતુ શ્વાન અને બિલાડીઓ સાથે રવિવાર, ૨૯ ઓગસ્ટે ચાર્ટર્ડ ફ્લાઈટમાં હીથ્રો વિમાની મથકે આવી પહોંચ્યો હતો. જોકે, તેણે સ્થાનિક અફઘાન સ્ટાફને લાવવાની દરકાર કરી ન હોવાથી તેના વર્તન બાબતે રોષ પણ સર્જાયો છે.
પૂર્વ સૈનિક ફાર્ધિંગ અને તેના સમર્થકોએ કાબૂલસ્થિત એનિમલ શેલ્ટર નૌઝાદના પ્રાણીઓ તેમજ સ્ટાફ અને તેમના પરિવારોને બચાવી યુકે લાવવા ‘ઓપરેશન આર્ક’ કેમ્પેઈન ચલાવ્યું હતું. જોકે, તેને અંશતઃ સફળતા જ મળી હતી. તે પોતાના ૯૦થી ૧૦૦ કૂતરાં અને ૬૦થી ૭૦ બિલાડીઓ સાથે રવિવારે હીથ્રો એરપોર્ટ આવી ગયો હતો. તેની એનિમલ ચેરિટી નૌઝાદ- Nowzad દ્વારા બીબીસીને જણાવાયું હતું કે ફાર્ધિંગ તેના સ્ટાફ વિના જ શનિવારે અફઘાનિસ્તાન છોડી યુકે જવા રવાના થયે હતો. ચેરિટી માટે કામ કરતા વેટરનરી ડોક્ટર ઈઆન મેક્ગીલે જણાવ્યું હતું કે પ્રાણીઓ સારી હાલતમાં છે અને ફાર્ધિંગને અફઘાનિસ્તાનમાં રહેલા તેના સ્ટાફ અને પરિવારોના કલ્યાણની ભારે ચિંતા છે.
ધ ટાઈમ્સના અહેવાલ મુજબ તાલિબાન દ્વારા ઈસ્લામના અર્થઘટનના કારણે પ્રાણીઓને જોખમ હોવાનું માનતા ફાર્ધિંગે યુકેના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસના સ્પેશિયલ એડવાઈઝર પીટર ક્વેન્ટિન ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થામાં અવરોધ કરાતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ફાર્ધિંગના ૨૪ સ્ટાફ અને તેમના આશ્રિતો માટે વિઝા મંજૂર કરાયા હોવાં છતાં તેણે એનિમલ શેલ્ટરના ૨૦૦ કૂતરાં અને બિલાડીઓને છોડી ફ્લાઈટમાં જવાનો ઈનકાર કર્યો હતો. આખરે ડિફેન્સ મિનિસ્ટ્રીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે યુકે સરકારે પૂર્વ મરિન અને તેના પ્રાણીઓ માટે ચાર્ટર્ડ ફ્લાઈટને સ્પોન્સર કરી છે.