ફાર્મસી રિવોલ્યૂશનથી લાખો લોકોને સામાન્ય બીમારીમાં ઝડપી સારવાર મળશેઃ સુનાક

સરકાર ફાર્માસિસ્ટોને બે વર્ષમાં 645 મિલિયન પાઉન્ડની સહાય કરશેઃ વડાપ્રધાન

Tuesday 06th February 2024 10:51 EST
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા ફાર્મસી રિવોલ્યુશનનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પગલાનો ઉદ્દેશ્ય લોકોને તેમની જરૂરીયાત પ્રમાણે વધુ સ્થળો ખાતેથી સારવાર મળી રહે. સ્થાનિક ફાર્મસીઓ આપણા સમાજના કેન્દ્ર સ્થાને છે. તેથી અમે સમગ્ર ઇંગ્લેન્ડમાં ફાર્મસી ફર્સ્ટ યોજનાનો પ્રારંભ કરી રહ્યાં છીએ. હાઇ સ્ટ્રીટ હેલ્થકેરમાં આ એક લઘુ ક્રાંતિ સમાન છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ નવી સેવા સામાન્ય બીમારીઓની સારવાર માટે એનએચએસની મદદ મેળવવામાં લાખો લોકોને સહાય કરશે. તેના કારણે લોકોનો સમય બચશે અને તેમને જરૂરી તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ થશે.

સુનાકે જણાવ્યું હતું કે, નવી સેવાઓ માટે ફાર્માસિસ્ટ્સને મદદ કરવા સરકાર આગામી બે વર્ષમાં 645 મિલિયન પાઉન્ડની સહાય કરશે. આ સુધારા સામાન્ય છે પરંતુ તેના કારણે ફાર્મસી સેવાઓમાં મોટા બદલાવ આવશે. હવે સારવારના લાભ એનએચએસની બહાર પણ મળવા લાગશે. આ સુધારાના કારણે દર વર્ષે 10 મિલિયન જીપી એપોઇન્ટમેન્ટ્સ મુક્ત થશે. તેના પગલે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવાના અમારા પ્રયાસોને પણ મદદ મળશે.

રેકોર્ડ ફાર્મસી બંધ થવાના કારણે સુનાકની નીતિ નિષ્ફળ જવાની સંભાવના

ઓછી આર્થિક સહાય મળવાના કારણે રેકોર્ડ સંખ્યામાં ફાર્મસી બંધ થવાના કારણે રિશી સુનાકની ફ્લેગશિપ હેલ્થ પોલિસી નિષ્ફળ જવાની સંભાવના છે. એનએચએસના આંકડા પ્રમાણે દરરોજ એક કરતાં વધુ ફાર્મસી બંધ થઇ રહી છે. ગયા વર્ષે 394 ફાર્મસી બંધ થઇ હતી કારણ કે માલિકો નાણાની અછત વેઠી રહ્યાં છે. નેશનલ ફાર્મસી એસોસિએશનના પ્રમુખ પોલ રીસે જણાવ્યું હતું કે, ફાર્મસી બંધ થવાનો દર આઘાતજનક સ્તરે પહોંચ્યો છે. હાલમાં 70 ટકા કરતાં વધુ ફાર્મસી દેવાના બોજ તળે દટાયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter