લંડનઃ ફાર્મસીઓ બંધ થવાના કારણે કાર્યરત ફાર્મસીઓ પર દર્દીઓનો ધસારો વધી રહ્યો હોવાનો આરોપ ફાર્મસી માલિકો મૂકી રહ્યાં છે. સમરસેટના ટૌનટનમાં ફાર્મસી ધરાવનાર મેક્સ પુન્ની કહે છે કે અમે દર્દીઓના ધસારાને પહોંચી વળવામાં સંઘર્ષ કરી રહ્યાં છીએ. સરકાર દ્વારા અપાતું ભંડોળ ઘણું ઓછુ છે જ્યારે દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ફાર્મસીઓ બંધ થવાના વિરોધમાં તાજેતરમાં ફાર્માસિસ્ટો દ્વારા સંસદની બહાર દેખાવો પણ કરાયાં હતાં. પુન્ની કહે છે કે ફાર્મસી નેટવર્ક અને ફ્રન્ટલાઇન પ્રાઇમરી હેલ્થકેર સેવાઓ ધરાશાયી થઇ રહી છે. પુન્ની સાઉથવેસ્ટમાં ગ્રુપ ઓફ ફાર્મસીઝના માલિક છે.
એસોસિએશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીઝે દાવો કર્યો છે કે 2015થી અત્યાર સુધીમાં દર 10માંથી એક ફાર્મસી બંધ થઇ ચૂકી છે. તેના કારણે 2019થી અત્યાર સુધીમાં જીપી એપોઇન્ટમેન્ટમાં 2.5 મિલિયનનો વધારો થઇ ચૂક્યો છે. બીજીતરફ સરકારના પ્રવક્તા કહે છે કે અમે આ આંકડાઓ સાથે સહમત નથી. અમે ફાર્મસી સેવાઓને 645 મિલિયન પાઉન્ડનું નવું ભંડોળ જારી કર્યું છે. ફાર્મસીઓને દર વર્ષે બે બિલિયન પાઉન્ડનું ભંડોળ અપાય છે.
પુન્ની કહે છે કે બે ફાર્મસી બંધ થઇ જવાના કારણે અમારી ફાર્મસી પર બોજો વધી ગયો છે. અમે દવાની ભારે અછતનો પણ સામનો કરી રહ્યાં છીએ. ફ્રન્ટલાઇન પર કામ કરનારા અમારા કર્મચારીઓ પરેશાન થઇ રહ્યાં છે. ફ્રન્ટલાઇન પર શું ચાલી રહ્યું છે તેની સરકારને જાણ જ નથી.