લંડનઃ સધર્ક ક્રાઉન કોર્ટે 16 ઓક્ટોબરે ફાર્માસિસ્ટ જિજ્ઞેશ પટેલ અને તેના સાથીદાર રાહિલ પટેલને 1.3 મિલિયન પાઉન્ડના NHS પ્રિસ્ક્રિપ્શન ફ્રોડમાં 6-6 વર્ષની જેલની સજા ફરમાવી હતી. સધર્ક ક્રાઉન કોર્ટમાં ત્રણ સપ્તાહની ટ્રાયલના પગલે તેમને ખોટી રજૂઆતની છેતરપીંડી અને ક્રિમિનલ પ્રોપર્ટીને બદલવાના આરોપસર ગુનેગાર ઠરાવાયા હતા. જિજ્ઞેશ પટેલની 6 ડિસેમ્બર 2017ના રોજ ધરપકડ કરાઈ હતી. તેની પ્રોપર્ટીની તપાસમાં 190,000 પાઉન્ડની રોકડ જપ્ત કરાઈ હતી.
ફાર્માસિસ્ટ જિજ્ઞેશ પટેલ લંડનમાં વાઈઝ ફાર્મસી તેમજ હોલસેલ ફાર્માસ્યુટિકલ બિઝનેસ એક્ટિફાર્મ લિમિટેડની માલિકી ધરાવે છે. સામાન્યપણે હોસ્પિટલો દ્વારા અપાતી હાઈ કોસ્ટ ડ્રગ્સ તેમજ ચાર ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ વિસ્તારો બાર્નેટ, એન્ફિલ્ડ, ન્યુહામ અને ટાવર હેમ્લેટ્સમાંથી અપાયેલા પ્રિસ્ક્રિપ્શન્સના પેમેન્ટની તપાસમાંથી આ કૌભાંડ બહાર આવ્યું હતું. લોકલ કાઉન્ટર ફ્રોડ સ્પેશિયાલિસ્ટની પૂછપરછોમાં જણાયું હતું કે વાઈઝ ફાર્મસી દ્વારા સાત હાઈ કોસ્ટ મેડિસીન્સ આપવામાં આવી હતી જે સામાન્ય રીતે પ્રાઈમરી કેર માટે અપેક્ષિત હોય નહિ.
NHSCFAએ વાઈઝ ફાર્મસી દ્વારા જાન્યુઆરી 2015થી નવેમ્બર 2017ના ગાળામાં અપાયેલા તમામ પ્રિસ્ક્રિપ્શન્સ મેળવ્યા હતા. તપાસમાં જણાયું હતું કે 440 પેશન્ટ્સ માટે 24 GPના નામે 6983 આઈટમ્સ માટે 1639 ખોટા પ્રિસ્ક્રિપ્શન હતાં. વાસ્તવમાં કોઈ GP દ્વારા પ્રિસ્ક્રિપ્શન્સ લખાયા ન હતા. ખોટા પ્રિસ્ક્રિપ્શન્સમાં લખાયેલી દવાઓ માટે NHS દ્વારા વાઈઝ ફાર્મસીને 1.3 મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચૂકવાઈ હતી. NHS કાઉન્ટર ફ્રોડ ઓથોરિટી (NHSCFA) હવે આ ગુમાવેલા ફંડ્સને પરત મેળવવા પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ 2002ની સત્તા અન્વયે કામગીરી હાથ ધરશે.

