લંડનઃ ફેલો ઓફ ધ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી (RPS) અને RPS ઈંગ્લિશ ફાર્મસી બોર્ડના સભ્ય ડો. મહેન્દ્ર પટેલને તેમના પ્રોફેશનને નોંધપાત્ર પ્રદાનની કદર કરી સોસાયટી દ્વારા ચાર્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી યુકેની સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં હેલ્થકેરને પ્રોત્સાહન આપતી ચેરિટી સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે.
ડો. મહેન્દ્ર પટેલ ૧૯૮૧માં ફાર્માસિસ્ટ બન્યા હતા. તેઓ યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ ખાતે ફાર્મસીમાં પ્રિન્સિપાલ એન્ટરપ્રાઈઝ ફેલો અને યુનિવર્સિટી ઓફ શેફિલ્ડમાં ફેકલ્ટી ઓફ મેડિસિનમાં વિઝિટિંગ સીનિયર લેક્ચરર છે. તેઓ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ ક્લિનિકલ એક્સેલન્સ (NICE)માં નિયુક્ત થનારા પ્રથમ ફેલોમાં એક તેમજ નાઈસ સ્ટુડન્ટ ચેમ્પિયન્સ સ્કીમના વિકાસના પ્રણેતા પણ છે, જે પ્રોજેકટ લગભગ ૪૦ યુનિવર્સિટીમાં પ્રસર્યો છે.
માઉથ કેન્સર ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય ડો. પટેલનું વોલન્ટરી અને ફંડ એકત્રીકરણ કાર્ય બે દાયકાથી સ્થાનિક, પ્રદેશિક અને રાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યું છે. તેઓ વેકફિલ્ડ ગ્રામર સ્કૂલ ફાઉન્ડેશનના ગવર્નર હોવાં ઉપરાંત, વેકફિલ્ડમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનની ફંડરેઈઝિંગ બ્રાન્ચ સ્થાપવામાં પણ મદદગાર છે. તાજેતરમાં તેમને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનો રીજનલ કોમ્યુનિટી વોલન્ટીઅર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો.
ડો. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવાની મને ખુશી છે. હું માનું છું કે ફાર્માસિસ્ટ સ્થાનિક કોમ્યુનિટીને સાચા લાભ પહોંચાડી શકે છે. મને ગૌરવ છે કે પેશન્ટ્સ અને ફાર્માસિસ્ટ્સના અનુભવોને પ્રભાવિત કરવા અને ઘડવામાં હું મદદ કરી શક્યો છું.’


