લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસે 'ફાર્મસી ફર્સ્ટ' યોજનાનો વિસ્તાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દર્દીઓ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધા વિના સીધા જ સ્થાનિક ફાર્મસી પર જઈને માઇગ્રેન, ખીલ, સ્કેબીઝ કાનના ચેપ અને એલર્જિક રાઇનાઇટિસ જેવી સામાન્ય બીમારીઓ માટે સલાહ અને સારવાર મેળવી શકશે.
અત્યાર સુધી આ યોજના હેઠળ ગળાનો દુખાવો, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, દાદર અને સાઇનસ જેવી 7 સામાન્ય બીમારીઓ માટે જ સગવડ મળતી હતી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શિયાળામાં જનરલ પ્રેક્ટિશનર્સ અને ઇમરજન્સી વિભાગો પરનું ભારણ ઘટાડવાનો અને દર્દીઓને તેમના ઘરની નજીક ઝડપી સારવાર પૂરી પાડવાનો છે. યોજનાના પૂર્ણ અમલીકરણ બાદ દર વર્ષે અંદાજે 20થી 30 લાખ દર્દીઓ આ નવી 5 બીમારીઓ માટે ફાર્મસી સેવાનો લાભ લેશે તેવો અંદાજ છે. આ પગલાથી સ્થાનિક હેલ્થકેર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં અને નાગરિકોનો સમય બચાવવામાં મોટી મદદ મળશે.

